મુંબઈનાં છ રેલવે સ્ટેશનોનું નૂતનીકરણ થશે

એમાં બોરીવલી, અંધેરી, લોકમાન્ય ટિળક, મુંબઈ સેન્ટ્રલ, બાંદરા ટર્મિનસ અને દાદરનો સમાવેશ

મુંબઈ, તા. 16 : રેલવેએ પ્રથમ તબક્કામાં દેશનાં 42 રેલવે સ્ટેશનોના નૂતનીકરણની યોજના બનાવી છે અને એમાં 13 રેલવે સ્ટેશનો મહારાષ્ટ્ર-મુંબઈનાં છે. આ નૂતનીકરણના કાર્યક્રમમાં આ 42 સ્ટેશનોના પાંચ સમૂહ બનાવવામાં આવ્યા છે અને દરેક સમૂહના નૂતનીકરણની જવાબદારી અલગ-અલગ પબ્લિક સેક્ટર યુનિટને સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્ર-મુંબઈમાં જે 13 રેલવે સ્ટેશનોનું નૂતનીકરણ થશે એમાં પુણે, શિવાજીનગર, ઔરંગાબાદ, બોરીવલી, ભુસાવળ, અંધેરી, લોકમાન્ય ટિળક, મુંબઈ સેન્ટ્રલ, બાંદરા ટર્મિનસ, લોનાવલા, દાદર, વર્ધા અને  કલ્યાણનો સમાવેશ છે.
જે પાંચ પબ્લિક સેક્ટર કંપનીઓને નૂતનીકરણનું કામ સોંપાયું છે એમાં RITES મેકોન, નૅશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન (એનપીસીસી), એન્જિનિયરિંગ પ્રોજેક્ટ ઇન્ડિયા (ઈપીઆઇએલ) અને બ્રિજ ઍન્ડ રૂફ કંપની -ઇન્ડિયા (બીઍન્ડઆર)નો સમાવેશ છે.
આ 42 સ્ટેશનોના નૂતનીકરણ ઉપરાંત ઇન્ડિયન રેલવે સ્ટેશન્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશને અન્ય 13 સ્ટેશનોના નૂતનીકરણનું કામ હાથ ધર્યું છે. આ બે સ્ટેશન મધ્ય પ્રદેશના હબીબગંજ અને ગુજરાતના ગાંધીનગર સ્ટેશનનું કામ જુલાઈ મહિના સુધીમાં પતી જશે. દેશમાં સ્ટેશનોના નૂતનીકરણની જે યોજના અમલમાં મુકાય છે એની જવાબદાર સંસ્થા ઇન્ડિયન રેલવે સ્ટેશન્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશન્સ છે.
અૉક્ટોબર 2018માં કેન્દ્ર સરકારે રેલવે સ્ટેશનોના નૂતનીકરણની પૉલિસી અમલમાં મૂકી હતી અને ઇન્ડિયન રેલવે સ્ટેશન્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશનને અમલીકરણની જવાબદારી સોંપી હતી.
રેલવે મંત્રાલયે દેશભરમાં 600 રેલવે સ્ટેશનોના નૂતનીકરણની યોજના બનાવી છે અને એની પાછળ એક ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ થશે.
આ ઉપરાંત સુરત, ગ્વાલિયર, નાગપુર અને બલ્યાપ્પનહલ્લી જેવાં ચાર સ્ટેશનોનું નૂતનીકરણ જાહેર-ખાનગી પાર્ટનરશિપ હેઠળ કરવામાં આવશે. આ ચારેચાર સ્ટેશનોના નૂતનીકરણની યોજના હજી ક્વૉટેશનના સ્ટેજ પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer