હવે નીરવ મોદીને પણ બહુ જલદી ભારતને હવાલે કરાશે

હવે નીરવ મોદીને પણ બહુ જલદી ભારતને હવાલે કરાશે
યુકેના ગૃહખાતાએ પ્રત્યાર્પણ માટેની અરજી અદાલતને મોકલાવી

નવી દિલ્હી, તા.9: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંકના અબજો રૂપિયા લઇને નાશી છૂટનાર હીરાના વેપારી નીરવ મોદીનાં પ્રત્યાર્પણ માટે કાયદેસર વિધિ શરૂ કરવાની યુકેને કરેલી વિનંતિના સંદર્ભમાં યુકેનાં ગૃહખાતાએ નીરવ મોદીનાં પ્રત્યાર્પણ અંગેની આ અરજી પ્રાથમિક કાયદેસર પગલાં લેવા માટે કોર્ટને મોકલી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટેની અરજી 2018ના જુલાઇમાં યુકેને કરવામાં આવવી હતી. યુકે સેન્ટ્રલ ઓથોરિટી ઓફ રોય ઓફિસે એ વાતને સમર્થન આપ્યું હતું કે પ્રત્યાર્પણની અરજી વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને વધુ કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. યુકેના ગૃહ સચિવ સાજીદ જાવીદે બે દિવસ પહેલા જ કોર્ટને નીરવ મોદીનાં પ્રત્યાર્પણ અંગે ભારતની અરજી મોકલી હતી. ઇડીનું આ પગલું નીરવ મોદીને ભારત પાછો લાવી અને તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાનો છે.
ટૂંક સમયમાં જ ઇડી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ની એક ટીમ યુકે જશે અને ત્યાંના વકીલોને ભારતનો કેસ સમજાવશે અને નીરવ મોદી સામેના પુરાવા રજૂ કરશે. વિજય માલિયાના કેસમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું. ઇડી અને સીબીઆઇ મુંબઈની પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાંથી કરોડો રૂપિયા ઉપાડી અને તેની વિદેશમાં ગેરકાયદે હેરફેર માટે નીરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી અને અન્યો સામે આરોપ મુક્યો છે.
અત્યાર સુધીમાં નીરવ મોદીની હોંગકોંગ, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા, સિંગાપોર અને યુએઇની રૂ.961.48 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
ધરપકડથી બચવા પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી
દરમિયાન, પંજાબ નેશનલ બેંકના રૂ.14 હજાર કરોડ લઇને દેશમાંથી નાશી છુટેલ નીરવ મોદીને સરકાર શોધી રહી છે ત્યારે તે લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં એક 80 લાખ ડોલરની કિંમતના ભવ્ય એપાર્ટમેન્ટમાં રહે છ ઁ અને તેણે ત્યાં હીરાનો નવો વેપાર પણ શરૂ કરી દીધો છે. `ધ ટેલીગ્રાફ' સમાચાર પત્રના સંવાદદાતાએ નીરવ મોદીને લંડનમાં શોધી કાઢયો છે. સંવાદદાતાએ મોદીને કેટલાય સવાલો પૂછયા હતા પણ તેણે કોઇના જવાબ નહોતા આપ્યા. ડેઇલી ટેલીગ્રાફ અખબારે નીરવ મોદી સાથે ઇન્ટરવ્યુનો એક વીડીયો પણ પ્રસિધ્ધ કર્યો છે. વીડીયોમાં દર્શાવાયું છે કે 48 વર્ષનો આ `ભાગેડુ' વેપારી નીરવ મોદી ઓકસફર્ડ સ્ટ્રીટ નજીક એક લકઝરી ફલેટમાં રહે છે અને સોરોમાં હીરાનું નવું કામકાજ શરૂ કર્યું છે. વીડીયોમાં નીરવ એક નવા દેખાવમાં જોવા મળે છે. તે ખુબ જ સ્વસ્થ લાગતો હતો અને તેણે મૂંછો અને પાતળી દાઢી રાખી હતી.
માહિતગાર સુત્રોના જણાવ્યા મુજબ નીરવ મોદીને પ્રત્યાર્પણથી બચવા માટે સંભવત: લંડનમાં પ્લાસ્ટીક સર્જરી પણ કરાવી છે. ડેઇલી ટેલીગ્રાફના રીપોર્ટરે જયારે તેમને તેના ઉપરના દેવા અંગે પુછયું તો તેણે `નો કમેન્ટ' એવો જવાબ આપ્યો હતો. તથા તમારા લેણદારો તમને શોધી રહ્યા છે એમ કહ્યું ત્યારે પણ તેણે `નો કમેન્ટ' એવો જવાબ આપ્યો હતો. ભારતના અધિકારીઓની વિનંતીથી ગયા વર્ષે જુલાઇ માસમાં ઇન્ટરપોલે નીરવ મોદીની ધરપકડ માટે રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરી હતી. પણ આજ સુધી તે ધરપકડથી દૂર રહ્યો છે. અબજપતિ જવલેર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકના અંદાજે રૂ.14 હજાર કરોડનો ગોટાળો કર્યો છે. આ ગોટાળો બહાર આવે તે પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં તે દેશ છોડી નાસી ગયો હતો. તે વેસ્ટ એન્ડમાં જે ફલેટમાં રહે છે તેનું માસિક ભાડુ 17 હજાર પાઉન્ડ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer