ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તરણ

ગુજરાતના પ્રધાનમંડળનું વિસ્તરણ
જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહનો સમાવેશ : મોદી કરતાં પણ રૂપાણીનું મંત્રીમંડળ મોટું

ગાંધીનગર, તા.9:  લોકસભાની ચૂંટણી જાહેર થવામાં છે એ જ ટાંકણે ગુજરાતમાં ભાજપની વિજયભાઇ રૂપાણી સરકારનું વિસ્તરણ થયું છે અને ત્રણ નવા મંત્રીઓએ શપથ લીધા છે. છેલ્લાં એક વર્ષમાં આ ત્રીજીવાર વિસ્તરણ થયું છે. કોંગ્રેસમાંથી ગઇકાલે જ ભાજપમાં આવેલાં માણાવદરના જવાહર ચાવડાને કેબિનેટમાં સ્થાન અપાયું છે તો વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જઇ ગઇ ચૂંટણીમાં ચૂંટાયેલા જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. આ બંને ધારાસભ્યો નારાજ હતા. ત્રણેયને ખાતાઓની ફાળવણી બાકી રાખવામાં આવી છે.
આ વિસ્તરણ સાથે રૂપાણી સરકારનું કદ 24 મંત્રીઓનું થયું છે. મોદી સરકારમાં 17 મંત્રીઓથી શરૂઆત થયેલી અને છેલ્લે 21 મંત્રીઓ હતા. એનાથી રૂપાણી આગળ નીકળી ગયા છે. હવે મુખ્યમંત્રીના મુખ્ય મંત્રી સહિત 10 કેબિનેટ અને 12 રાજ્યકક્ષાના પ્રધાનો છે. હવે વિસ્તરણ થશે કે કેમ? એ સ્પષ્ટ નથી.
રાજભવન ખાતે રાજ્યપાલ કોહલીએ સૌ પ્રથમ માણાવદરના જવાહર પેથલજી ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા, ત્યાર બાદ વડોદરાના માંજલપુરના ભાજપના અસંતુષ્ટ ધારાસભ્ય યોગેશ નારણભાઇ પટેલ,  જામનગર ઉત્તરના ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા જાડેજા) ને રાજ્યકક્ષાના પ્રધાનો તરીકે શપથ લેવડાવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer