પાંચ વર્ષમાં ત્રણ ઍર સ્ટ્રાઈક થઈ : રાજનાથનો ચોંકાવનારો દાવો

પાંચ વર્ષમાં ત્રણ ઍર સ્ટ્રાઈક થઈ : રાજનાથનો ચોંકાવનારો દાવો
કર્ણાટકની રૅલીમાં કહ્યું કે બેની જાણકારી આપીશ, ત્રીજી ઍર સ્ટ્રાઈકની માહિતી અપાશે નહીં

મેંગ્લોર, તા. 9 : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આતંકવાદીઓ સામે એરસ્ટ્રાઈક ઉપર નવી ચોંકાવનારી જાણકારી જાહેર કરી છે. કર્ણાટકના મેંગ્લોરમાં ગૃહમંત્રીએ દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય સેનાએ ત્રણ વખત  સરહદ પાર જઈને એર સ્ટ્રાઈક કરીને સફળતા મેળવી છે. આ દરમિયાન રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, તેઓ બે એર સ્ટ્રાઈકની જાણકારી આપશે પણ ત્રીજી એરસ્ટ્રાઈક અંગે કોઈપણ જાણકારી આપશે નહી. 
પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની સીમામાં ઘુસીને આતંકવાદીઓ સામે એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારથી આતંકવાદી અને તેના આશ્રયદાતા ગભરાયેલા છે અને જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદીઓ તરફથી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાન સતત શસ્ત્રવિરામ ભંગ કરી રહ્યું છે. આ દરમિયાન ગૃહમંત્રીએ કર્ણાટકથી સેનાના શૌર્યની સરાહના કરી હતી. રાજનાથે ચોંકાવનારી વાત કરતા કહ્યું હતું કે, ભારતે ત્રણ એરસ્ટ્રાઈકમાં સફળતા મેળવી છે. છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ એરસ્ટ્રાઈક થઈ છે. જેમાં બેની જાણકારી તેઓ આપશે પણ ત્રીજાની જાણકારી આપશે નહી.
રાજનાથે કહ્યું  હતું કે, આતંકવાદ સામે એકજુથ થઈને ઉભા થવાની જરૂર છે.  પહેલી વખત ઉરીમાં આતંકીઓએ હુમલો કર્યો. જેના જવાબમાં જે કંઈ થયું તે લોકો જાણે છે. બીજી વખત એરસ્ટ્રાઈક પુલવામા હુમલા બાદ થઈ છે. જ્યારે ત્રીજી જાણકારી જાહેર કરશે નહી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer