સીએસની પરીક્ષામાં ગુજરાતી વિદ્યાર્થિની મહારાષ્ટ્રમાં અવ્વલ, ભારતમાં ચોથા ક્રમાંકે

સીએસની પરીક્ષામાં ગુજરાતી વિદ્યાર્થિની મહારાષ્ટ્રમાં અવ્વલ, ભારતમાં ચોથા ક્રમાંકે
કેટલા કલાક ભણો છો એના કરતાં કેવું ભણો છો એ મહત્ત્વનું : આયુષી ઠક્કર
રચના જોષી તરફથી
મુંબઈ, તા. 9 : યુવતીઓ દરેક ક્ષેત્રમાં બાજી મારી રહી છે એનું વધુ એક ઉદાહરણ તાજેતરમાં જાહેર થયેલાં કંપની સેક્રેટરી (સીએસ)નાં પરિણામમાં જોવા મળ્યું હતું. સીએસની ફાઇનલ પરીક્ષા પ્રોફેશનલમાં માટુંગાની કચ્છી યુવતી આયુષી ઠક્કર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રથમ અને ભારતમાં ચોથા નંબરે આવી છે. આયુષીએ સીએસના ત્રણે તબક્કા પ્રથમ પ્રયાસમાં પાસ કર્યા હતા. 
20 વર્ષની આયુષી માટુંગાની પોદાર કૉલેજમાં બીકૉમના છેલ્લા વર્ષમાં ભણે છે. માતા પ્રીતિબહેન શાળામાં શિક્ષિકા છે અને પિતા સંજયભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. આયુષીએ સીએસની પરીક્ષાના પ્રથમ લેવલ ફાઉન્ડેશનમાં પણ ભારતમાં 15મો ક્રમાંક મેળવ્યો હતો. `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં આયુષીએ જણાવ્યું હતું કે સીએસની પરીક્ષા હોય કે બીકૉમનો અભ્યાસ, હું પહેલા દિવસથી જ ભણવાનું શરૂ કરું છુ.
રાત્રે ઉજાગરા કરવા કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો એ જરૂરી નથી. દરરોજ અભ્યાસ કરવામાં આવે તો પરીક્ષાના સમયે માનસિક ત્રાસ થતો નથી. કેટલા કલાક ભણીએ છીએ એના કરતાં કેવું ભણીએ છીએ એનુ વધારે મહત્ત્વ છે.
 જો શરૂઆતથી જ અભ્યાસ કરીએ તો સોશિયલ મીડિયા અને સામાજિક પ્રવૃત્તિઓ બધામાં જ ભાગ લઈ શકીએ.
આયુષી તેની સફળતાનું શ્રેય માતા-પિતાને આપે છે. તેને આગળ કાયદાનો અભ્યાસ કરવો છે તેમ જ શાળામાં ગુજરાતી વિષય હોવાથી માતૃભાષાનાં પુસ્તકો વાંચવાનું ગમે છે એટલે ભણવાની સાથે દરરોજ રાત્રે કૃષ્ણ ભગવાનનાં પુસ્તકો વાંચવાનો પણ શોખ છે. તે હાડવર્ક કરતાં સ્માર્ટવર્કમાં માને છે અને જીવનમાં સ્માર્ટવર્ક કરીને જ આગળ વધવા માગે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer