પંકજા મુંડેને સુપ્રીમ કોર્ટની લપડાક 6300 કરોડ રૂપિયાનો આહાર કૉન્ટ્રેક્ટ રદ કર્યો

પંકજા મુંડેને સુપ્રીમ કોર્ટની લપડાક 6300 કરોડ રૂપિયાનો આહાર કૉન્ટ્રેક્ટ રદ કર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : આંગણવાડી પોષક આહારનો 6300 કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ રદ કરવાનો આદેશ આપી સર્વોચ્ચ અદાલતે રાજ્યનાં મહિલા અને બાલવિકાસ પ્રધાન પંકજા મુંડેને લપડાક મારી છે. કેન્દ્ર સરકારના નિયમને ઘોળીને પી જઈ એ કૉન્ટ્રેક્ટ મોટા કૉન્ટ્રેક્ટરને અપાયો હતો એથી એ કૉન્ટ્રેક્ટ રદ કરીને ચાર અઠવાડિયાંમાં નવો કૉન્ટ્રેક્ટ બહાર પાડવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટના નિર્ણયથી રાજ્ય સરકારને મોટો ફટકો પડયો છે.
રાજ્યની આંગણવાડીમાં પોષક આહારનો પુરવઠો પૂરો પાડવા માટે 2016ના વર્ષમાં એ કૉન્ટ્રેક્ટ અપાયો હતો, પરંતુ એ કૉન્ટ્રેક્ટ આપવામાં નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો ઠપકો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ન્યાયાધીશ અરુણ મિશ્રા અને દીપક ગુપ્તાની ખંડપીઠે એ કૉન્ટ્રેક્ટ રદ કરવાનો ચુકાદો આપ્યો છે અને ચાર અઠવાડિયાંમાં જ નવો કૉન્ટ્રેક્ટ બહાર પાડીને મહિલા બચત જૂથનો એમાં સમાવેશ કરવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત જ્યાં સુધી નવો કૉન્ટ્રેક્ટ બહાર ન પડે ત્યાં સુધી બાળકો અને મહિલાઓને પર્યાપ્ત રીતે પોષક આહારની વ્યવસ્થા કરવાની સૂચના પણ કોર્ટે આપી છે. 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
અગાઉ આંગણવાડી પોષક આહાર માટે કૉન્ટ્રેક્ટ આપવા માટે રાજ્યના પ્રધાનમંડળે 2016ની 23 ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી. ત્યાર બાદ 2016ની 8 માર્ચે કૉન્ટ્રેક્ટ માટે ટેન્ડર બહાર પડાયાં હતાં. જોકે એમાં મહિલા બચત જૂથને અવગણીને અમુક મોટા ઉદ્યોજકોને લાભ અપાવવા માટે કૉન્ટ્રેક્ટના ટેન્ડરમાં ચેડાં કરવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં એ કૉન્ટ્રેક્ટ પાંચ વર્ષ માટે અપાયો હતો અને એની કિંમત 6300 કરોડ રૂપિયા જેટલી હતી. જોકે એ પ્રકરણે વૈષ્ણોરાણી મહિલા બચત જૂથે એ કૉન્ટ્રેક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યાર બાદ કોર્ટે 6300 કરોડનો કૉન્ટ્રેક્ટ રદ કરવાનો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણયનો સૌથી મોટો ફટકો પંકજા મુંડેને પડવાની શક્યતા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હંમેશાં પંકજા મુંડેનો બચાવ કર્યો છે અને અત્યારે પણ કહ્યું છે કે આમાં કોઈ પણ પ્રકારનું કૌભાંડ આચરાયું નથી. મહત્ત્વનું એ છે કે રાજ્યના પ્રધાનમંડળે લીલીઝંડી દેખાડયા બાદ જ 2016ની 8 માર્ચે કૉન્ટ્રેક્ટ અપાયો હતો. જોકે એ કૉન્ટ્રેક્ટ મહિલા બચત જૂથને મળવાનું અપેક્ષિત હતું, પણ મહિલાઓના નામે અન્ય લોકો એનો લાભ ઉઠાવવા લાગ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer