`નયા પાકિસ્તાન'', `નઈ સોચ''નો દાવો કરનારા ઈમરાન હવે કહ્યું કરી બતાવે : ભારત

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી તા. 9: પાકિસ્તાને આતંક સામે જડબેસલાક કારવાઈ ન કરવાનો આરોપ મૂકતા ભારતે પાકને તેના જ નેતાના શબ્દોને લઈ ટકોર કરી હતી કે પડોશી દેશ પોતાના માટે નયા પાકિસ્તાન અને નયી સોચના દાવા કરતો હોય તો આતંકી જૂથો અને સામે અને સીમા પારથી થતા આતંકવાદ સામે નયા એકશન લઈ દાખવે. મીડિયાને સંબોધતાં વિદેશ ખાતાના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું હતું કે પાક જો એવો દાવો કરતું હોય કે તેની પાસે દ્વિતીય ભારતીય વિમાનને તોડી પાડયાનું વીડિયો રેકર્ડિગ છે તો તે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સહભાગી કેમ કરતું નથી ? દરમિયાન એક અહેવાલ મુજબ પાક જો આતંકવાદને પોતાની નીતિના ઓજારના રૂપે ખપમાં લેવાનું બંધ નહી કરે તો ભારત તેને, આતંકવાદ પ્રાયોજિત કરનાર દેશ ઘોષિત કરવાની બાબત પર જોર લગાવે તેમ બને. દ.એશિયા પરમાણુ ટકરાવ ભણી આગળ વધી રહ્યા અંગે પશ્ચિમી દેશોના ટિપ્પણીકારોને સતાવી રહેલી ચિંતા વચ્ચે નવી દિલ્હીએ આ સંકેત આપ્યો છે. દ.એશિયામાં પરમાણુ ટકરાવની ચિંતાઓ નકારતાં નવી દિલ્હીએ જણાવ્યુ હતું કે દ.એશિયામાં મોજુદ તનાવ માટે પાક જવાબદાર છે.અણુ બોમ્બની આડશમાં ઈસ્લામાબાદ દ્વારા આતંકવાદના ઉપયોગનું બ્લેકમેલિંગ ભારત નહીં થવા દ્યે.
પાકે આપણું એક નહીં બે લડાયક જેટ વિમાન તોડી પાડયાનો તેમ જ તે અંગેનો તેની પાસે વીડિયો ય છે એવો દાવો કરી પાક જુઠાણું ફેલાવી રહ્યું છે એમ જણાવી પ્રવકતાએ ઉમેર્યુ હતું કે  પાક પાસે આવા પુરાવા છે તો તે મીડિયા સામે મૂકતું નથી ? પાકે એક એફ-16 વિમાન તૈનાત કર્યુ હતું અને વિંગ કમાન્ડર અભિનંદને તેને તોડી પાડયું હતું તેને નજરે જોનારા સાહેદો છે તેમ તેનો વીજાણુ પુરાવો ય છે.
પાકમાંની જૈશની આતંકની તાલીમ છાવણીઓ પરની હવાઈ દળની એરસ્ટ્રાઈકે તેનુ ધ્યેય સાધી લીધું હતું એમ રવીશકુમારે ભારપૂર્વક જણાવ્યું હતું. જૈશ એ મોહમ્મદને પીઠબળ આપતા રહેવા માટે પાકને આડે હાથ લેતાં તેમણે કહ્યુ હતું કે પુલવામામાંના હુમલાની જૈશે લીધેલી જવાબદારીને પાકે નકારવાનું હજી ચાલુ રાખ્યું છે તે ખેદજનક છે. પાકના વિદેશ મંત્રી જાણે જૈશના પ્રવકતા બની ગયા છે.
પાકમાં જૈશની તાલીમી છાવણીઓ હોવા વિશે અને  જૈશના વડા મસુદ અઝહરની પાકમાંની હાજરી વિશે યુનોની સલામતી સમિતિના તમામ સભ્ય દેશો વાકેફ છે એમ જણાવી પ્રવકતાએ ઉમેર્યુ હતુ કે મસૂદ અઝહરને યુનોની સેન્કશન્સ સમિતિ હેઠળ વૈશ્વિક આતંકી જાહેર કરવા અમે યુનોની સલામતી સમિતિના તમામ સભ્યદેશોને અનુરોધ કર્યો છે.
કરતારપુર કોરિડોર વિશે વાટાઘાટનો મતલબ કંઈ દ્વિપક્ષી સંબંધો પુન : શરૂ થયા તેવો નથી થતો એમ તેમણે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer