મોદી વારાણસીમાંથી જ ચૂંટણી લડશે : સંસદીય બોર્ડ બેઠકમાં નિર્ણય

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 9: વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી યુપીના વારાણસીમાં જ લડે તેવી ઘણી સંભાવના હોવાનું ભાજપી સૂત્રો જણાવે છે.  આ બારામાં સત્તાવાર રીતે જણાવાયું નથી પણ ભાજપ સંસદીય બોર્ડની ગઈ સાંજની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ ચૂકયો છે. પીએમ અત્યારે પણ આ  મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો હતો કે 75 વર્ષથી મોટી વયના નેતાઓ પણ ઉમેદવારી કરી શકશે. અર્થાત્ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ ચૂંટણી લડી શકશે, પરંતુ પક્ષમાં તેમને મોટા હોદ્દા નહીં અપાય.
ભાજપ સંસદીય બોર્ડની ગઈ સાંજની 3 કલાકની બેઠકમાં ચૂંટણી સંબંધે પક્ષની વ્યૂહરચના વિશે ચર્ચા થઈ હતી. વડા પ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહ ઉપરાંત તેમાં નાણાં મંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પક્ષના કેટલાક સીનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
14ની લોકસભા ચૂંટણી પીએમ મોદી વારાણસીમાંથી પ,81,022 મતે જીત્યા હતા. લોકસભા ચૂંટણીમાં પીએમના એ વિજય બાદ ભાજપના સાથી પક્ષો, રાજય વિધાનસભાની ચૂંટણીમાં શહેરના તમામ 8 વિધાનસભા મતવિસ્તારો આંચકી લઈ શકયા હતા.
એવુ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઉમેદવાર માટે ચોક્કસ આયુમર્યાદાનો બાધ સહિતના કેટલાક માપદંડ ભાજપ લાગુ કરશે. જો કે પક્ષના એક નેતાના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોની પસંદગી પાછળનો એક મુખ્ય માપદંડ જે તે બેઠક જીતવાના તેના ચાન્સીસ કેવાક છે તેની પર આધારિત રહેશે.
કાલની બેઠક બાદ પક્ષ મહામંત્રી ભુપેન્દ્ર યાદવે, ઝારખંડમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન સાથે જોડાણની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે લોકસભા ચૂંટણીમાં રાજયની 13 બેઠક ભાજપ અને 1 બેઠક એજેએસયુ લડશે.
આ પક્ષ રાજયમાંની ભાજપી નેતૃત્વવાળી સરકારમાં ઓલરેડી ભાગીદાર છે જ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer