રાજસ્થાનમાં વધુ એક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

નવી દિલ્હી, તા. 9 : આતંકવાદને આશ્રય મામલે પાકિસ્તાન ઉપર વૈશ્વિક દબાણ છતા પાકિસ્તાની સેના દ્વારા સતત ભારતીય સરહદે કાંકરીચાળો કરવામાં આવી રહ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ રાજસ્થાનની બિકાનેર સરહદે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ હવે ફરી એક વખત રાજસ્થાનની સરહદે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. શ્રીગંગાનગરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદે ડ્રોન જોવા મળ્યા બાદ તાકીદે ભારતીય સેનાએ તેને તોડી પાડયું હતું.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ડ્રોન ભારતની હદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન સચેત ભારતીય સેનાએ તેને તોડી પાડયું હતું અને પાકિસ્તાનની નાપાક હરકત ફરી એક વખત ઉઘાડી પડી હતી.  26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઈક બાદ આ ત્રીજી વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસતું તોડી પાડવામાં આવ્યું છે. અગાઉ સોમવારે બિકાનેરમાં એક ડ્રોનને તોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત 26 ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પણ એક પાકિસ્તાની ડ્રોન જોવા મળતા તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer