ભાનુશાળી હત્યાકેસમાં છબિલ પટેલના પુત્રની ધરપકડ

અમદાવાદ, તા.9 : કચ્છ સહિત ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા જયંતી ભાનુશાળી હત્યા કેસમાં એસઆઇટીની ટીમે પાંચ શખસોને રીમાન્ડ પર લીધા બાદ આ કેસના મુખ્ય સૂત્રધાર અને વિદેશ ફરાર થઈ ગયેલા છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની સંડોવણી ખૂલતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સિદ્ધાર્થ છબીલ પટેલ પોલીસ સમક્ષ સામેથી હાજર થતા ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણ સંદર્ભેની વિગત એવી છે કે, કચ્છના જયંતી ભાનુશાળી હત્યા પ્રકરણમાં એસઆઇટીના સ્ટાફે ફરાર થઈ ગયેલા છબીલ પટેલ વિરુદ્ધ મહત્ત્વના પુરાવા એકત્રિત કર્યા બાદ પુનાના શાર્પ શૂટર વિશાલ કાંબલે, શશીકાંત કાંબલે અને અશરફ શેખની ધરપકડ કરી હતી અને રીમાન્ડ પર લેવામાં આવ્યા હતા. પોલીસની પૂછતાછ અને તપાસ દરમિયાન છબિલ પટેલના ફાર્મ હાઉસ પર કામ કરતા રાહુલ પટેલ અને નીતિન પટેલ પાસેથી વિગતો મળી હતી. જેમાં છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે વિશાલ કાંબલે અને શશીકાંત કાંબલેને તેના ફાર્મ હાઉસમાં રહેવાની અને અન્ય સગવડ કરી આપવામાં આવી હોવાનું ખૂલ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer