મહારાષ્ટ્રમાં સપા-બસપાને બેઠકો આપશે કૉંગ્રેસ?

ઉત્તર પ્રદેશના ગઠબંધનમાં સામેલ થવા કૉંગ્રેસ રમી શકે છે નવો દાવ

નવી દિલ્હી, તા. 9 : આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની પહેલી યાદી જાહેર થયા બાદ એવું લાગી રહ્યું હતું કે હવે બન્ને વચ્ચે ગઠબંધન થવાની સંભાવના ખૂબ ઓછી છે. તેવામાં હવે એવા સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. આ માટે કોંગ્રેસે પોતાના  તરફથી દાવ શરૂ કરી દીધો છે.
મોદી સરકારને ઘેરવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં બસપાને બે અને એસપીને એક લોકસભા બેઠક આપે તેવી શક્યતા ઉભી થઈ છે. કહેવાઇ રહ્યું છે કે મહારાષ્ટ્રની અમુક બેઠક આપીને કોંગ્રેસ હજી પણ સપા સાથે ઉત્તર પ્રદેશમાં જોડાઇ શકે છે.  
મહારાષ્ટ્રમાં દલિત મુસ્લિમ વોટબેન્કને ધ્યાને રાખીને કોંગ્રેસનું બસપા અને સપાને બેઠકો આપવાનો નિર્ણય મહત્ત્વનો સાબિત થઈ શકે છે.
આ અગાઉ પ્રકાશ આંબેડકર અને એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને પણ આ ફોર્મ્યૂલા મારફતે અજમાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો છે પણ તેમાં સફળતા મળી નહોતી. કોંગ્રેસ અને એનસીપી પ્રકાશ આંબેડકરની 24 બેઠકની માગણી ઉપર સહમત થયા નહોતા. 
મુંબઈ કોંગ્રેસ યુનિટના સંજય નિરુપમના કહેવા પ્રમાણે ભારિપા બહુજન મહાસંઘના પ્રકાશ આંબેડકર સાથે લોકસભા બેઠકોની વહેચણી મુદ્દે ચાલી રહેલી વાતમાં કોઈ પ્રગતિ આવી નથી. એવી આશા છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બસપા અને સપા અમારી સાથે જોડાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer