મેહુલ ચોક્સીએ અમેરિકન કંપનીઓને પણ કરોડો ડૉલર્સમાં નવડાવી હતી

યુએસસ્થિત પોતાની કંપનીનો ઉપયોગ ખોટી રીતે ધિરાણ મેળવવા અને મની લોન્ડરિંગ માટે કર્યો હતો

મુંબઈ, તા. 9 : ભાગેડુ કૌભાંડકારી બિઝનેસમેન મેહુલ ચોક્સીએ માત્ર પંજાબ નેશનલ બૅન્કને જ નહોતી છેતરી પણ સહ-કાવતરાખોરની આંતરરાષ્ટ્રીય વેબએ તેની યુએસ કંપની સેમ્યુઅલ જ્વેલર્સ, સંખ્યાબંધ કઠપૂતળીસમા વિક્રેતા અને એક માનસશાસ્ત્રીનો ઉપયોગ કરી સેમ્યુઅલના મુખ્ય ધિરાણકર્તાઓને પણ છેતર્યા હતા.
પરિણામે અમેરિકાના વેલ્સ ફાર્ગો અને ગોર્ડન બ્રધર્સે અજાણતા કરોડો ડૉલરની ક્રેડિટ લાઈન એડવાન્સ અધિકૃત કર્યા હતા, જે આખરે અમેરિકાની બહારની ચોકસીના વહીવટ હેઠળની ભારત, દુબઈ, હૉંગકૉંગની કંપનીઓને નાણાં પહોંચ્યાં હતાં, એમ બૅન્કરપ્સી કોર્ટે નિમેલા પરીક્ષકના પ્રથમ તબક્કાના અહેવાલમાં જણાવાયું છે.
આમ ચોકસી અને તેના સાગરિતો દ્વારા ભારતની બહાર આચરવામાં આવેલું આ યુએસસ્થિત બૅન્ક કૌભાંડ હતું.
ટેક્સાસસ્થિત સેમ્યુઅલ જ્વેલર્સે ગત વર્ષના અૉગસ્ટમાં નાદારી નોંધાવી હતી. આ કંપની મેહુલ અને નીરવ મોદી દ્વારા આચરવામાં આવેલા અબજો ડૉલરના કૌભાંડમાં સંડોવાયેલી છે. આ બન્ને ભાગેડુઓ લેટર્સ અૉફ અંડરટેકિંગ્સ (એલઓયુ) અને ફોરેન લેટર્સ અૉફ ક્રેડિટ (એફએલસી)નો ઘણાં વર્ષો સુધી ઉપયોગ કરી ભારતીય બૅન્કો સાથે છેતરપિંડી કરી નાણાં પડાવ્યાં હતાં. સેમ્યુઅલના અને માતૃ કંપની ગીતાંજલિ ગ્રુપના ચૅરમૅન ચોકસી જે સેમ્યુઅલ્સ જ્વેલર્સમાં 30 ટકા હિસ્સો ધરાવતા હતા તે હવે ભાગેડુ છે. વાસ્તવમાં સેમ્યુઅલ્સ અને સંબંધિત કંપનીઓ રહસ્યમય રીતે ઈન્વેન્ટરી વેચતી હતી તેમ જ મની લોન્ડરિંગમાં સામેલ હતી. ચોકસીની અને તેના અંકુશ હેઠળના વ્યક્તિઓના કહેવાથી આમ થતું હતું. લે-વેચના આ છેતરામણા સોદા 12.1 કરોડ ડૉલર આસપાસના થયા હોવાનું મનાય છે.
ચોકસીએ નીમેલા કઠપૂતળીસમા વિક્રેતામાં એકસ્લુઝિવ ડિઝાઈન ડાયરેકટ ઈન્કો. (ઈડીડી)નો સમાવેશ થાય છે, જે તેના સૌથી મોટા સ્વતંત્ર ઈન્વેન્ટરી સપ્લાયરોમાંના એક હોવાનું સેમ્યુઅલના રેકોર્ડ પરથી ફલિત થાય છે.
વાસ્તવમાં નિશિગનના સ્ટર્લિંગ રાઈટસમાં માનસશાસ્ત્રીની અૉફિસમાંથી ચાલતી આ વન-પર્સન ફ્રન્ટ કંપની હતી. આ વેન્ચરમાંથી કોઈ ઈન્વેન્ટરી ગઈ નહોતી. આમ છતાં ચોકસી અને તેના સહ-કાવતરાખોરોએ ઈડીડી વતી ઈન્વોઈસમાં સેંકડો ડૉલર ઈસ્યૂ કર્યા હતા. મોટી રકમ સેમ્યુઅલના બૅન્ક ખાતામાંથી ઈડીડીને ટ્રાન્સફર થઈ હતી. માનસશાસ્ત્રી જે ઈડીડી બૅન્ક ખાતાઓનું નિયમન કરતો હતો તેને મની લોન્ડરિંગ માટે 1 ટકો ફી ચૂકવવાની ખાતરી અપાઈ હતી. આ વ્હાઈટ મનીના 100 ટકા રકમ ચોકસી-અંકુશિત કંપનીઓમાં જમા થઈ હતી.
ઘણી ચોક્સી એન્ટીટી હૉંગકૉંગની કંપનીઓ હતી, જે ચોક્સીએ જ સ્થાપી હતી. આમ છતાં તે કંપનીઓ જુદી હોય તેમ થર્ડ પાર્ટી તરીકે દેખાવ કરતી હતી. આમ છતાં તેમાં ગીતાંજલિ કર્મચારીઓનો જ સ્ટાફ હતો અને ગીતાંજલિ સંલગ્ન અૉફિસોમાંથી જ તેનું કામકાજ થતું હતું.
સેમ્યુઅલ જ્વેલર્સની સ્વતંત્ર જ્વેલરી ગ્રેડિંગ લેબોરેટરી હતી તે વાસ્તવમાં ચોક્સી દ્વારા રહસ્યમય રીતે અંકુશિત એન્ટીટી હતી.
બ્રિટિશ વર્જિન આઈસલેન્ડસ એન્ટીટી - ઈન્ડિપેન્ડન્ટ જેમોલોજિકલ લેબોરેટરીઝમાં 99 ટકા હિસ્સો ચોકસીનો હતો. આ ડાયમંડ ગ્રેડિંગ કંપની હતી. સેમ્યુઅલ તેના ગ્રાહકોને એમ ભરમાવતો હતો કે તે મર્ચન્ડાઈઝ કવોલિટી અને વેલ્યુનું સ્વતંત્ર વેરિફિકેશન કરી આપે છે.
નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બૅન્ક જોડે આચરેલું કૌભાંડ રૂા. 13,580 કરોડનું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer