ધીરજ રાખો, વિશ્વાસ રાખો વડા પ્રધાન મોદીની ધરપત

ધીરજ રાખો, વિશ્વાસ રાખો વડા પ્રધાન મોદીની ધરપત
પુલવામા હુમલાના શહીદ જવાનોને અપાઈ અશ્રુભીની અલવિદા

નવી દિલ્હી, તા. 16 : પુલવામાના ગોઝારા હુમલામાં શહીદ થયેલા 40 જવાનને આજે દેશે ભીની આંખે પૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. દેશ કાજે બલિદાન આપનારા દેશના સપૂતોની તેમના ગામોમાં નીકળેલી અંતિમ સફરમાં લોકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. મંત્રીઓની પણ હાજરી હતી અને `ભારત માતા કી જય', `વીર જવાન અમર રહો'ના નારા ગુંજ્યા હતા. પુલવામા ખાતે આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કરીને દેશની પ્રજાને ધીરજ ધરવા અને સુરક્ષા દળોમાં વિશ્વાસ રાખવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યું  હતું કે, હુમલાનું અધમ કરતૂત આચરનારાઓને નસીઅતે પહોંચાડવા માટે સુરક્ષા દળોને છૂટો દોર અપાયો છે. યવતમાળ જિલ્લામાં પંઢરકાવાડામાં અનેક પ્રકલ્પોનાં ઉદ્ઘાટન માટે યોજાયેલા જાહેર સમારંભમાં વડાપ્રધાને કહ્યું હતું કે, પાકિસ્તાન હવે આતંકવાદનો સમાનાર્થ બની ગયો છે. ભાગલા બાદ અસ્તિત્વમાં આવેલું અને આતંકવાદી કરતૂતોને ઉત્તેજન આપનારું રાષ્ટ્ર હવે દેવાળિયું બનવાના આરે છે અને આતંકવાદનું બીજું નામ બન્યું છે.
બીજી તરફ દેશભરમાં જનઆક્રોશ ચાલુ રહ્યો હતો અને દેશમાં અનેક સ્થળે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. બંધની આગેવાની વેપારી સમુદાયે લીધી હતી અને તેમના સંસ્થાનો બંધ રાખ્યા હતા. રાજકીય પક્ષોએ આ પહેલ નહોતી કરી. જમ્મુમાં બીજા દિવસે પણ કર્ફ્યુ ચાલુ રહ્યો હતો અને સૈન્યે ફ્લેગ માર્ચ કરી હતી.
દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને શુક્રવારે તેમના ભારતના સમોવડિયા અજિત ડોભાલને ફોન કરીને સમર્થન વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વરક્ષણના ભારતના અધિકારનું અમેરિકા સમર્થન કરે છે. પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોને સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડવા બદલ સખત શબ્દોમાં ચેતવણી અપાઈ છે. અમે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયાની રાહ જોઇ રહ્યા છીએ.
દરમિયાન ઇસ્ફહાન (ઇરાન) એએફપીના અહેવાલ મુજબ બુધવારે આત્મઘાતી બોમ્બિંગમાં ઇરાનના 27 રિવોલ્યુશનરી ગાર્ડ માર્યા જવાની ઘટના બદલ પાકિસ્તાનના સુરક્ષા દળો આ નરાધમ કૃત્ય આચરનારાઓને ટેકો આપી રહ્યાનો ઇરાને આક્ષેપ કર્યો હતો. જિહાદી જૂથ જૈશ અલ-અદલ (ઇન્સાફનું લશ્કર)નો ઉલ્લેખ કરીને રિવેલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર મેજર જનરલ મોહંમદ અલી જાફરીએ કહ્યું હતું કે, આ લોકોને રાખનારી પાકિસ્તાનની સરકારને તેઓ કયાં છે અને પાકિસ્તાનના સુરક્ષા દળો તરફથી તેમને ટેકો પૂરો પડાય છે એની જાણ છે. જો પાકિસ્તાન સરકાર તેમને શિક્ષા નહીં કરે તો અમે આ એન્ટિ-રિવોલ્યુશનરી દળ વિરુદ્ધ વળતો પ્રહાર કરશું અને પાકિસ્તાન જે કંઈ જોશે તે આ લોકોને ટેકો પૂરો પાડવાનું પરિણામ હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer