પાકિસ્તાન એ આતંકવાદનો પર્યાયી શબ્દ

પાકિસ્તાન એ આતંકવાદનો પર્યાયી શબ્દ
પુલવામાના આરોપીઓને સજા આપવા આર્મીને છૂટ આપવામાં આવી છે : વડા પ્રધાન મોદી

યવતમાળ, તા. 16 (પીટીઆઈ) : પાકિસ્તાન એ આતંકવાદનો પર્યાયવાચક શબ્દ છે. લોકોએ ધીરજ રાખવાની જરૂર છે. આ હુમલા માટેના દોષિતોને સજા કરવા સલામતી દળોને પૂરતી છૂટ આપવામાં આવી છે  અને લોકોએ તેના ઉપર ભરોસો રાખવો જોઈએ  એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં યવતમાળ જિલ્લામાં પાંઢરકવાડા ખાતે સંખ્યાબંધ પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યા પછી મોદીએ રૅલીને સંબોધતા જણાવ્યું હતું કે ભાગલા પછી અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાન એ આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે તે દેવાળુ ફૂંકવાની તૈયારીમાં છે. આતંકવાદનું બીજું નામ પાકિસ્તાન છે. પુલવામામાં જે કંઈ બન્યું તેનાથી દેશવાસીઓ વ્યથિત છે. પુલવામામાં સીઆરપીએફના જવાનોની શહાદત નિષ્ફળ નહીં જાય. આ અપરાધ ઘડનારાઓને સજા થશે.
તે માટે લશ્કરને છૂટોદોર આપવામાં આવ્યો છે. સજા કરવાનું સ્થળ, સમય અને પદ્ધતિ આપણા દળો નક્કી કરશે. પુલવામાના શહીદોના પરિવારોને થતું દુ:ખ આપણે બધા અનુભવી શકીએ છીએ. અમે તમારો રોષ સમજી શકીએ છીએ.
યવતમાળ જિલ્લામાં દાભાડી ખાતે 20મી માર્ચ, 2014ના દિવસે `ચાય પે ચર્ચા' કાર્યક્રમ નિમિત્તે લીધેલી મુલાકાતને યાદ કરીને મોદીએ જણાવ્યું હતું કે સાડા ચાર વર્ષમાં અમે ખાતરીનું પાલન કરવા નિષ્ઠાથી કામ કર્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ 1.25 કરોડ ખેડૂત પરિવારોને ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં વરસે 6000 રૂપિયા બૅન્કના ખાતામાં જમા કરાવવામાં આવશે. લોકોએ સાડાચાર વર્ષ પહેલાં સશક્ત સરકારને ચૂંટી કાઢી હતી. તમારા મતને કારણે અમારી સરકાર સ્પષ્ટ ઇરાદા સાથે આગળ વધી શકી છે. જો તમે ભૂલ કરી હોત તો અમે જ્યાં છીએ ત્યાં જ રહ્યા હોત. હું તમારા પ્રધાન સેવકને આશીર્વાદ આપવાની વિનંતી કરું છું.
મોદીએ જણાવ્યું હતું કે આદિવાસીઓનું જીવનધોરણ સુધારવા માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. તેઓને સીકલ સેલ સહિત વિવિધ તબીબી સુવિધાઓ પૂરી પાડવા પગલાં ભરવામાં આવી રહ્યાં છે એમ મોદીએ ઉમેર્યું હતું.
વડા પ્રધાન મોદીએ આજે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન ફડણવીસની હાજરીમાં અંજનિ (નાગપુર) પુણે ટ્રેનસેવાનો વીડિયો લીંક મારફતે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપને મહારાષ્ટ્ર સ્ટેટ રૂરલ લીવલીહુડ મિશન વતીથી ચેક અને પ્રમાણપત્રો આપ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer