મુંબઈ, થાણે અને નવી મુંબઈ શોકમય

મુંબઈ, થાણે અને નવી મુંબઈ શોકમય
મોટા ભાગની જથ્થાબંધ બજારો બંધ રહી, ઠેરઠેર શ્રદ્ધાંજલિ સભા યોજાઈ, સૈનિકો માટે કાયમી ભંડોળ ઊભું કરવાનો પણ પ્રસ્તાવ
નાલાસોપારામાં ત્રણ કલાક ટ્રેનો અટકાવવામાં આવી?: થાણે, મુમ્બ્રા, બેલાપુર, કળંબોલી, ગ્રાન્ટ રોડ, હાજીઅલીમાં બંધ પાળવામાં આવ્યો
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર આતંકવાદીઓએ કરેલા હુમલા સામે દેશભરમાં ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે અને આજે હુમલાથી વ્યથિત થયેલા હજારો રેલવે પ્રવાસીઓ પાટા ઉપર આવી ગયા હતા અને પશ્ચિમ રેલવેના નાલાસોપારામાં સવારે સુમારે 8.20 વાગે ટ્રેન વ્યવહાર સંપૂર્ણ ખોરવી નાખ્યો હતો. પરિણામે કામધંધા પર લોકલ ટ્રેનોમાં નીકળેલા લાખો પ્રવાસીઓ બેથી ત્રણ કલાક સુધી અટવાઈ ગયા હતા.
ગુરુવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં મૃત્યુ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને આતંકવાદીઓના કૃત્યના વિરોધમાં શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી. બજારો બંધ રહી હતી અને શાળાઓમાં પ્રાર્થનાઓ યોજાઈ હતી.
નાલાસોપારા સ્ટેશન ખાતે લોકો પાટા પર ઉતરી આવ્યા હતા અને તેમણે પાકિસ્તાન તેમ જ આતંકવાદીઓ વિરુદ્ધ સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું. જેથી પરાંની તેમ જ લાંબા અંતરની ટ્રેનો અટકી પડી હતી. વિરારથી ચર્ચગેટ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. લોકલ ટ્રેનો વસઈ રોડથી ચર્ચગેટ સુધી દોડી રહી હતી. પરંતુ ટ્રેનો ઘણી મોડી દોડતી હતી અને પ્રવાસીઓ હાલાકીમાં ફસાયા હતા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો અને એ દરમિયાન કુલ 54 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત લાંબા અંતરની કેટલીક ટ્રેનોને અસર થઈ હતી અને કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી.
દેખાવકારોએ `ભારત માતા કી જય' અને `પાકિસ્તાન મુર્દાબાદ' જેવાં સૂત્રો પોકાર્યાં હતાં.
જીઆરપી અને આરપીએફના જવાનોએ ઉશ્કેરાયેલા પ્રવાસીઓને સમજાવીને પાટા પરથી દૂર કર્યા હતા તેથી ત્રણ કલાક બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો.
દક્ષિણ મુંબઈના જ તારદેવ, ગ્રાન્ટ રોડ, હાજીઅલી વગેરે ખાતે પણ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી.
નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં પણ આતંકવાદી હુમલાના વિરોધમાં જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો. કળંબોલીમાં પણ સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે હુમલાનો વિરોધ કર્યો હતો. અનેક લોકોએ વસાહતમાં જઈને મોરચા કાઢયા હતા.
મહાનગર મુંબઈની વિવિધ કૉલેજોમાં વિવિધ પદ્ધતિએ આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
થાણે શહેર અને નવી મુંબઈ પરિસરમાં પણ ઠેકઠેકાણે બંધ પાળવામાં આવ્યો હતો. નાગરિકો રસ્તા પર ઉતરીને આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવી રહ્યા હતા.
ભાઈંદરમાં પણ નાગરિકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. સવારે રિક્ષાઓ પણ માર્ગો પરથી અદૃશ્ય થઈ ગઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer