શહીદ જવાનોના અંતિમ સંસ્કારમાં ભારત માતા કી જયના નારા ગુંજ્યા

શહીદ જવાનોના અંતિમ સંસ્કારમાં ભારત માતા કી જયના નારા ગુંજ્યા
પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધિમાં મહેરામણ ઊમટયો

નવી દિલ્હી, તા. 16  : જમ્મુ કાશ્મીરમાં પુલવામા ખાતે કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનો આજે તેમની અંતિમ સફર પર નિકળ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં લોકો ઉમટી પડયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવામાં લોકો જોડાયા હતા. હજારો લોકો અંતિમ યાત્રા વેળા માર્ગની બંને બાજુએ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા ધ્વજ સાથે આવ્યા હતા. રાજસ્થાનના પાંચ સીઆરપીએફ જવાનો આ હુમલામાં શહીદ થયા હતા. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના વતન ગામોમાં કરાયા હતા. અંતિમ સંસ્કાર વેળા ભારત માતા કી જય, વંદે માતરમ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા ગુંજી ઉઠયા હતા. દિલ્હીથી તમામ શહીદ જવાનોના પાર્થિવ શરીર તેમના વતન ગામ પહોંચ્યા ત્યારે તેમના પરિવારના સભ્યો આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા. જયપુર જિલ્લાથી રોહિતાસ લાંબા, રાજસમન જિલ્લાના નારાયણલાલ ગુર્જર, ભરતપુર જિલ્લાના જીતરામ, ધોલપુર જિલ્લાના ભાગીરથાસિંહ અને કોટાના હેમરાજ મીણાના મૃતદેહ આજે તેમના વતનમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની અંતિમયાત્રા યોજવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં પણ શહીદ જવાનોના પાર્થિક શરીર તેમના આવાસ પર પહોંચ્યા હતા અને મોડેથી તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા ત્યારે તમામ જવાનોના વતન ગામોમાં લોકો ઉમટયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer