પુલવામા આતંકવાદને લડત આપવા સર્વપક્ષીય બેઠકમાં ઠરાવ પસાર

પુલવામા આતંકવાદને લડત આપવા સર્વપક્ષીય બેઠકમાં ઠરાવ પસાર
કૉંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો સરકારના પડખે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 16 : સરકાર અને વિપક્ષમાંના રાજકીય પક્ષોએ મજબૂત દ્વિપક્ષીય મોરચો રચીને, પુલવામાના આતંકવાદી હુમલાની ચર્ચા કરવા આજે સવારે યોજાયેલી બેઠકના અંતે પસાર કરેલા ઠરાવમાં આતંકવાદને લડત આપવા ભારતનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
દેશની એકતા અને અખંડતાનું રક્ષણ કરી રહેલા સુરક્ષા દળોની પડખે ઊભા હોવા પર ભાર મૂકીને ભાજપ અને કૉંગ્રેસ સહિતના પક્ષોએ આતંકવાદી હુમલાને અને સીમા પારથી અપાઈ રહેલા ટેકાને વખોડી કાઢતો ઠરાવ પસાર કર્યો હતો.
ઠરાવમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સીમા પારથી આતંકવાદનો ભારત સામનો કરતો આવ્યો છે અને લાંબા સમયથી તેને પાડોશી દેશનાં પરિબળો તરફથી સક્રિયપણે ઉત્તેજન પૂરું પડાઈ રહ્યું છે. આ પડકારોને પહોંચી વળવા માટે ભારતે મક્કમતા અને લવચીકતા બન્ને દર્શાવ્યા છે. આ પડકારોનો સામનો કરવા માટે સમગ્ર રાષ્ટ્રે એકસૂરમાં નિર્ધાર વ્યક્ત કર્યો છે.
કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહ દ્વારા બોલાવાયેલી બેઠકમાં હાજરી આપનારાઓમાં કૉંગ્રેસના ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયા, તૃણમૂલ કૉંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ'બ્રિયન, શિવસેનાના સંજય રાઉત, ડાબેરી પક્ષના ડી. રાજા, નેશનલ કોન્ફરન્સના ફારુક અબદુલ્લાહ, લોક જનશક્તિ પક્ષના રામવિલાસ પાસવાન વગેરેનો સમાવેશ થતો હતો. તમામ પક્ષોએ તમામ સ્વરૂપના આતંકવાદને અને સીમા પારથી તેને અપાઈ રહેલા ટેકાને વખોડી કાઢયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer