પુલવામા કાંડના સૂત્રધાર ગાઝીનો પત્તો લાગી ગયો

પુલવામા કાંડના સૂત્રધાર ગાઝીનો પત્તો લાગી ગયો
ત્રાલ-પુલવામાના જંગલમાં હોવાના હેવાલ બાદ પકડવાનું અૉપરેશન શરૂ : એનઆઇએ ટીમે તપાસ શરૂ કરી

નવી દિલ્હી/જમ્મુ, તા. 16 : પુલવામાના હિચકારા આતંકી હુમલાને પગલે સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદીઓ પર સકંજો કસ્યો છે. સીઆરપીએફ પર હુમલાના સૂત્રધાર અબ્દુલ રશીદ ગાઝીનો પત્તો લગાવાઈ ગયો હોવાનું સૂત્રો જણાવે છે, તો હુમલાને અંજામ આપવામાં આદિલ ડાર ઉપરાંત મસૂદ અઝહરના ભત્રીજા ઉમેરની અને જૈશના જ એક આતંકી કામરાનની પણ મોટી ભૂમિકા હોવાના હેવાલ છે. દરમ્યાન, એનઆઈએની ટીમે પુલવામા હુમલાની તપાસ શરૂ કરી દીધી છે અને હુમલામાં આરડીએક્સનો જ ઉપયોગ કર્યો હોવાનું જણાવાય છે. અગાઉ એવા હેવાલ બહાર આવ્યા હતા કે આતંકીએ લોખંડની વસ્તુઓ અને રાસાયણિક ખાતર વગેરેની મિલાવટથી વિસ્ફોટકો તૈયાર કર્યા હતા. 
સૂત્રોને ટાંકીને મળી રહેલા હેવાલ મુજબ, આદિલને તાલીમ અને સૂચનાઓ આપનારો ગાઝી પુલવામા કે ત્રાલ નજીકના જંગલમાં છુપાયો છે અને સુરક્ષા દળો થોડા સમયમાં તેને ઝડપી પાડે તેવી શક્યતા છે. 
પાકિસ્તાનથી મસૂદ જ ગાઝીને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની સૂચનાઓ આપે છે અને ગાઝી જંગલમાંથી ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે સક્રિય છે. ગાઝીને જીવતો પકડવાના પ્રયાસ ચાલુ છે. 
આતંકી હુમલાની યોજના ઘડવામાં જૈશના આતંકી પાકિસ્તાની નાગરિક કામરાનની પણ મોટી ભૂમિકા હતી. એવું કહેવાય છે કે, કામરાન દક્ષિણ કાશ્મીરના પુલવામા, ત્રાલ અને અવંતીપોરા વિસ્તારમાં આવન- જાવન કરતો રહે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer