જમ્મુમાં બીજા દિવસે પણ કરફ્યુ ચાલુ, સેનાની ફલૅગ માર્ચ

જમ્મુમાં બીજા દિવસે પણ કરફ્યુ ચાલુ, સેનાની ફલૅગ માર્ચ
જમ્મુ, તા. 16: પુલવામા હુમલા અનુસંધાને સુરક્ષા દળોએ રાજ્યના વિવિધ ભાગોમાં દરોડાનો દોર જારી રાખ્યો છે. અટકાયત કરાયેલા સાત શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલા માટે દોઢસોથી બસો કિલો આરડીએક્સનો ઉપયોગ કરાયાનું કહેવાય છે. હુમલા પછીના વિરોધ પ્રદર્શન ધ્યાને લઈ જમ્મુમાં બીજા દિવસેય કર્ફયુ જારી છે, તેમ જ મોબાઈલ અને ઇન્ટરનેટ સર્વિસ પણ સ્થગિત કરી દેવાઈ છે. સેનાએ પણ સંવેદનશીલ પ્રદેશોમાં ફલેગ માર્ચ કરી હતી. દરમિયાન આ હુમલાની તપાસાર્થે એનઆઈએની ટીમ બીજા દિવસે ય ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ અને સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગર પણ સામેલ હતા. તપાસાર્થે ફોરેન્સિક ટીમે સેમ્પલ એકઠા કર્યા હતા. સુરક્ષા દળોએ 2પ કિમી સુધી ઘેરાબંધી કરી દીધી છે.
'18માં કાશ્મીરમાં ત્રાસવાદીઓએ સ્નાઈપર્સ અને શાર્પશૂટર મારફત સુરક્ષા દળોને નિશાન બનાવવા શરૂઆત કરી હતી, એ રણનીતિ સામે લડવા સેના અને સુરક્ષા દળોએ વ્યૂહરચના ઘડી હતી, હવે આતંકીઓએ પુલવામામાં આઈઈડી બોમ્બબ્લાસ્ટનો તરીકો અજમાવતા દળો સામે નવો પડકાર ઉભો થતાં નવી રણનીતિ ઘડવાની જરૂર ઉભી થઈ છે.
શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાયેલી રાખવા 9 સિક્યોરિટી કોલમ, એર સપોર્ટ સાથે તૈનાત રખાઈ છે. આજે થનારી તમામ પરીક્ષાઓની તારીખ આગળ વધારી દેવાયાનું પ્રશાસનિક અધિકારીઓએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer