પોખરણમાં ઍરફોર્સનું વાયુ શક્તિ પ્રદર્શન

પોખરણમાં ઍરફોર્સનું વાયુ શક્તિ પ્રદર્શન
કુલ 81 ફાઈટર જેટ સહિતનાં 137 વિમાન ઍરફોર્સની કવાયતમાં જોડાયાં
 
પોખરણ, તા.16: પુલવામામાં આતંકવાદી હુમલા બાદ હાલમાં પોખરણ ખાતે ભારતીય હવાઈ દળ દ્વારા વાયુ શક્તિ 2019 પ્રદર્શન ચાલી રહ્યું છે. હવાઈ દળના શક્તિ પ્રદર્શનથી પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનની સરહદ નજીક જ વાયુ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુદ્ધ વિમાનો મોટાપાયે ભાગ લઈ રહ્યા છે. એકબાજુ દેશમાં પાકિસ્તાન સામે પુલવામા હુમલા બાદ કાર્યવાહી કરવા જોરદાર માંગ ઉઠી રહી છે ત્યારે એરફોર્સની શક્તિના પ્રદર્શન માટે આયોજિત આ કવાયત અનેક સંકેત આપી રહી છે. 81 ફાઈટર જેટ સહિત આશરે 137 વિમાનો આ કવાયતમાં પોતાના પરાક્રમો દર્શાવી રહ્યા છે. એરફોર્સના સૌથી મોટા શક્તિ પ્રદર્શન તરીકે આને જોવામાં આવે છે. વાયુ શક્તિ ત્રણ વર્ષમાં એક વખત યોજવામાં આવે છે. મિગ, જગુઆર, એસયુ-30, તેજસ અને મિરાજ-2000 સહિતના વિમાનો આમાં ભાગ લઈ રહ્યા છે. વાયુ શક્તિના ભાગરૂપે દિલધડક પરાક્રમો દર્શાવવામાં આવી રહ્યા છે. આઈએએફના વાઈસ ચીફ માર્શલ અનિલ ખોસલાએ કહ્યું છે કે જુદા જુદા પ્રકારના હથિયારોની ચકાસણી થઈ રહી છે. બોમ્બ, સ્માર્ટ હથિયારો, જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવા હથિયારો અને હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવા હથિયારોની ચકાસણી થઈ રહી છે. પ્રથમ વખત વાયુ શક્તિ 2000 દ્વારા મિગ-29 અપગ્રેડ કરવામાં આવેલા વિમાનોને સામેલ કરાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer