કાપડબજારે પાળ્યો અભૂતપૂર્વ બંધ

કાપડબજારે પાળ્યો અભૂતપૂર્વ બંધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનોની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વેપારી ઍસોસિયેશનોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. એ હુમલાનો વિરોધ દર્શાવવા શનિવારે કપડાં, યાર્ન, ડાયમન્ડ અને બુલિયન માર્કેટે બંધ પાળ્યો હતો જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. ન્યુ પીસ ગુડ્સ બજાર કંપની લિમિટેડે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે 18 ફેબ્રુઆરીએ મીટિંગનું આયોજન કર્યું છે જેમાં સૈનિકો માટે કાયમી ભંડોળની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. એ માટે માર્કેટમાં આવનાર વ્યક્તિ પાસેથી પાસનો એક રૂપિયો ઉઘરાવાશે.
ન્યુ પીસ ગુડ્સ બજાર કંપની લિમિટેડના ચૅરમૅન મુકેશ દેસાઈએ કહ્યું કે આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવવા મૂળજી જેઠા માર્કેટ, મંગળદાસ માર્કેટ, સ્વદેશી માર્કેટ સહિતનાં દરેક કપડાબજાર બંધ રહ્યાં હતાં. કપડાબજાર સાથે સંકળાયેલાં ઍસોસિયેશનો આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી ચલાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલશે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોમવારે 18 ફેબ્રુઆરીએ મીટિંગ રાખવામાં આવી છે અને એમાં સૈનિકો તથા તેમના પરિવારજનોની મદદાર્થે કાયમી સ્વરૂપના ભંડોળની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવશે. એ માટે માર્કેટમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પાસેથી ઓછામાં ઓછો એક રૂપિયો પાસનો ઉઘરાવવાનો પ્રસ્તાવ છે. એમાં દરરોજ ભેગા થતા રૂપિયા બૅન્કમાં જમા કરાવવામાં આવશે અને એની માહિતી દરેક વ્યક્તિને આપવામાં આવશે. એ માટે મંગળવારે 19 ફેબ્રુઆરીએ દરેક ગેટ પર બોર્ડ લગાડી દેવામાં આવશે અને બુધવારથી એને લાગુ પાડવામાં આવશે.
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે કહ્યું કે કપડાબજારનો બંધ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. બિલ્ડિંગના ઉપલા માળે જે એકાદ-બે દુકાનો ખુલ્લી હતી એને પણ સમજાવી-પટાવીને બંધ કરાવવામાં આવી હતી. એ મુજબ આજના બંધને અભૂતપૂર્વ સફળતા મળી હતી. ભારત ચેમ્બર પણ બંધ રહ્યું હતું. ચેમ્બર દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વેપારીઓનો એક જ સૂર ઊઠ્યો હતો, `બહુ થયું, હવે રિઝલ્ટ જોઈએ.'
હિન્દુસ્તાન ચેમ્બર અૉફ કૉમર્સના અધ્યક્ષ બૈજનાથ રુંગટાએ જણાવ્યું કે કપડાબજાર 100 ટકા બંધ રહ્યું હતું. ભિવંડી પણ 50 ટકા બંધ હતું. ચેમ્બરે આતંકવાદીઓ અને તેમને સમર્થન આપનાર પકિસ્તાન સરકાર સામે સખત સૈનિક કાર્યવાહી ચલાવવાની ભારત સરકાર સમક્ષ માગણી કરી છે. ચેમ્બરે શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા તેમના પરિવારજનો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું હતું. ચેમ્બરમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો.
મુંબઈ ટેક્સટાઇલ મર્ચન્ટ્સ મહાજનના અધ્યક્ષ ધીરજ કોઠારીએ કહ્યું હતું કે `મૂળજી જેઠા માર્કેટ અને સ્વદેશી માર્કેટ સહિત દરેક કપડાબજારે બંધ પાળ્યો હતો. આજના બંધને 100 ટકા સફળતા મળી હતી.'
સુધા મિલ્સના અધ્યક્ષ વિનોદ ચોથાણીએ બંધને સંપૂર્ણ સફળ ગણાવતાં કહ્યું હતું કે મિલો પણ બંધ રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer