વિદર્ભ સતત બીજી વખત ઈરાની કપ ચૅમ્પિયન

વિદર્ભ સતત બીજી વખત ઈરાની કપ ચૅમ્પિયન
નાગપુર, તા. 16 : રણજી ચેમ્પિયન વિદર્ભએ પહેલી ઈનિંગમાં મળેલી સરસાઈના આધારે રેસ્ટ ઓફ ઈન્ડિયાને હરાવીને ઈરાની કપ ખિતાબ સતત બીજી વખત પોતાના નામે કર્યો છે. આ મેચના પાંચમા દિવસે શનિવારે બન્ને ટીમ વચ્ચેનો મુકાબલો ડ્રો રહ્યો હતો. પણ વિદર્ભે પહેલી ઈનિંગમાં મળેલી સરસાઈના આધારે ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. વિદર્ભે સતત બીજી વખત ગોલ્ડન ડબલ પુરો કર્યો છે. ગઈ સિઝનમાં પણ વિદર્ભે જ ખિતાબ પોતાના નામે કર્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પહેલા દાવમાં 330 રન કર્યા હતા. વિદર્ભે અક્ષય કારનેવારની સદીની મદદથી પહેલી ઈનિંગમાં  425 રન કરીને 95 રનની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ત્રણ વિકેટે 374 રન બનાવીને બીજો દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં વિદર્ભે પાંચ વિકેટે 269 રન કર્યા હતા અને મેચ ડ્રો થયો હતો. જેમાં પહેલા દાવમાં મળેલી સરસાઈના આધારે વિદર્ભ ચેમ્પિયન બન્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer