ગુપ્ટિલની સતત બીજી સદી : બાંગ્લાદેશ હાર્યું

ગુપ્ટિલની સતત બીજી સદી : બાંગ્લાદેશ હાર્યું
બાંગ્લાદેશે આપેલા 226 રનના પડકાર સામે ન્યૂ ઝીલૅન્ડના 36.1 ઓવરમાં 2 વિકેટે 229 : કિવિઝની 2-0થી અજેય સરસાઈ
નવી દિલ્હી, તા. 16 : ન્યૂઝિલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ જોરદાર ફોર્મમાં છે અને બંગલાદેશ સામેના બીજા વનડેમાં પણ સદી ફટકારી હતી. ગુપ્ટિલે તોફાની બેટિંગ કરતા માત્ર 88 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 118 રન ઝુડી કાઢ્યા હતા. ગુપ્ટિલની ઈનિંગની મદદથી ન્યૂઝિલેન્ડની ટીમે બંગલાદેશ સામે 8 વિકેટે સરળ જીત મેળવી હતી અને 2-0થી અજેય સરસાઈ મેળવી છે. આ અગાઉ બંગલાદેશની ટીમે 49.4 ઓવરમાં 226 રન કર્યા હતા. જવાબમાં કિવિઝ ટીમે 36.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જ 229 રન કરી લીધા હતા.
બંગલાદેશ સામે સતત બીજા મેચમાં સદી ફટકારનારો ગુપ્ટિલ મેન ઓફ ધ મેચ પસંદ થયો હતો. ગુપ્ટિલની આ 2019ની ત્રીજી સદી છે. આ અગાઉ ગુપ્ટિલે વર્ષનો પહેલો મેચ 3 જાન્યુઆરીના રોજ શ્રીલંકા સામે રમ્યો હતો. જેમાં 139 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 138 રન કર્યા હતા. આ ઉપરાંત બંગલાદેશ સામેની વનડે શ્રેણીના પહેલા મેચમાં પણ ગુપ્ટિલે સદીની ઈનિંગ રમી હતી. જેમાં 116 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 117 રનની વિજયી ઈનિંગ રમી હતી. આ મેચ નેપિયરમાં રમાયો હતો. બંગલાદેશ સામેના બીજા વનડે બાદ 2019માં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ-3 ઉપર કિવિઝનો કબ્જો ગયો છે. ઓપનર માર્ટિન ગુપ્ટિલ 435 રન સાથે બીજા ક્રમાંકે છે. જ્યારે પહેલા નંબરે રોઝ ટેલર 524 રન સાથે છે. આ ઉપરાંત ત્રીજા નંબરે 8 વનડેમાં 354 રન ફટકારનારો કેન વિલિયમ્સન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer