ભાનુશાળી હત્યામાં સંડોવાયેલા બે શાર્પશૂટર સાપુતારાથી ઝડપાયા?

સહેલાણીના સ્વાંગમાં ફરી રહ્યા હતા : ચાર દિવસથી કવાયત કરનાર અઝજને મોટી સફળતા

અમદાવાદ, તા.16 : કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા પ્રકરણમાં એટીએસને સૌથી મોટી સફળતા મળી છે. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સંડોવાયેલા બે શાર્પશુટરોને એટીએઁસની ટીમ દ્વારા ડાંગના સાપુતારાથી  ઝડપી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ કચ્છથી અમદાવાદ આવતા સમયે સયાજીનગરી એક્સપ્રેસમાં  જંયતી ભાનુશાળીની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી. જે બાદ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને ભાનુશાલીની મહિલા મિત્ર મનીષા ગોસ્વામીનું નામ ચર્ચામાં આવ્યું હતું. સાથે મહારાષ્ટ્રના કેટલાક શાર્પશુટરની સંડોવણી પણ સામે આવી હતી. જે બાદ આજે એટીએસની ટીમે ચાર દિવસથી ટ્રેક કર્યા બાદ હવે બે શાર્પશુટરની ડાંગથી ધરપકડ કરાઇ હોવાનું સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ છે. આ સમગ્ર ઓપરેશનથી ડાંગની પોલીસ પણ અજાણી હતી. આ બન્ને શાર્પશુટરોને લઇ એટીએઁસની ટીમ ગાંધીનગર આવવા જવા થઇ હોવાનું પણ જાણવા મળે છે. 
સૂત્રોમાંથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, આજે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે શનિ-રવિની રજા હોવાથી ભીડ જોવા મળી હતી તે સમયે સાંજે 5-45 વાગ્યાની આસપાસ ખાનગી કારમાં એટીએસના જવાનો સાપુતારાના સ્વાગત સર્કલ પાસે આવી પહોંચ્યા હતા અને સહેલાણીઓ ફરી રહ્યા હતા ત્યારે એટીએસના જવાનેએ બે ઇસમોને દબોચી લીધા હતા. અને ત્યારબાદ એટીએસની બીજી ગાડીઓ પણ ત્યાં આવી જતા તેઓને  એમાં બેસાડી દેવાયા હતા. એટીએસના અધિકારીઓએ તેમની ઓળખની ખાતરી કર્યા બાદ તેઓ શાર્પશુટર હોવાનું જણાઇ આવ્યુ ંહતું. અને તેને લઇને તેઓ ગાંધીનગર તરફ રવાના થયા હોવાનું જાણવા મળે છે.  
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શાર્પશુટરને પકડવા માટે મથામણ કરી રહ્યા હતા અને છેલ્લા ચારેક દિવસથી ડાંગના સાપુતારા ખાતે લોકેશન ટ્રેક કર્યા બાદ સહેલાણીઓના સ્વાંગમાં ફરી રહેલા બે શાર્પશુટરોને ઝડપી પાડયા હતા. એટીએસના આ સર્ચ ઓપરેશનથી ડાંગ પોલીસ પણ બેખબર રહી હતી. 
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના અબસાડાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજી નગરી ચકચારી હત્યા કેસ પોલીસ માટે એક પડકાર બની ગયો હતો. જે શાર્પશુટરો હતા, તેની ઓળખ થઇ શકી નહોતી, ચર્ચા એવી હતી કે, શાર્પશુટરો પરપ્રાંતિય હતા તેને પકડવા કઇ રીતે તે એટીએસ માટે મુંઝવણભર્યુ બન્યું હતું અને અંતે એટીએસને સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer