કચ્છી સહિયારું અભિયાનને મળી લેણદારોની 9 હજાર અરજી

કનૈયાલાલ જોશી અને મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 16 : અહીંના કચ્છી વીસા ઓશવાળ જૈન સમાજના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના અંદાજે સાડા ચાર હજાર કરોડ રૂા. નાણાં દલાલો અને મોટા વેપારીઓ પાસે સલવાયા છે. આ ફસાયેલાં નાણાં કઢાવવા માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર કચ્છી સહિયારું અભિયાન પાસે અત્યાર સુધી નવ હજાર અરજી આવી છે. `અભિયાન'ના પ્રયાસોના પગલે ઘણા સમયથી અટકેલી રકમ પાછી મળે છે તો અમુક લોકોનું વ્યાજ ચાલુ થાય છે.
છેલ્લા છ-આઠ મહિનાથી કવિઓ સમાજમાં ચર્ચા અને ગભરાટનું પ્રમાણ વધી ગયું હતું. તેથી કચ્છી વીસા ઓશવાળ જૈન મહાજન અને કચ્છી જૈન ફાઉન્ડેશને સાથે મળીને કચ્છી સહિયારું અભિયાનની રચના કરી અને સમાજના લોકોને આ સેવાકાર્યમાં જોડાવા આહ્વાન કર્યું જેના કારણે અભિયાનની ટીમ સારી બની. આ સમગ્ર ટીમના સુનિયોજિત પ્રયાસોના પગલે નાના રોકાણકારોના પૈસા પાછા આવવા લાગ્યા છે. બીજી તરફ નાણાં દલાલ 200-300 લેણદારને જવાબ આપી શકતો ન હતો તેમને `અભિયાન'નું માધ્યમ મળ્યું છે. જે દલાલો કે દેવાદારો ગમે તેવાં જવાબો આપતા હતા તે વ્યવસ્થિત જવાબ આપે છે અને રસ્તો કાઢી આપવાનું કહેવા પર આવ્યા છે. આમ કચ્છી સહિયારું અભિયાન દીવાદાંડી અને સેતુરૂપ પુરવાર થયું છે.
આ માહિતી આપતાં અભિયાનના ધીરજભાઈ છેડા (એકલવીર) એ જણાવ્યું કે અભિયાનમાં કૉર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ, ઉદ્યોગપતિઓ, સાત સીએ, સોલિસિટર, ઍડ્વોકેટ્સ, કાર્યકર્તાઓ અને સમાજના અગ્રણીઓ જોડાયા છે. આ બધા નિ:સ્વાર્થ સેવા અને સમય આપે છે. એટલે શરૂઆતમાં રકમ કેટલી સલવાઈ છે તેના ફૉર્મ ભરવાની ગતિ ધીમી હતી. કોઈ શરમાતા હતા તો કોઈ પર સગાંસંબંધીનું દબાણ હતું પણ પછી વિશ્વાસ વધતો ગયો અને ફૉર્મની સંખ્યા નવ હજાર થઈ છે.
ધીરજભાઈએ કહ્યું કે અનેક પ્રકારના ડિફોલ્ટર આવ્યા છે જે અમે સપનેય વિચાર્યું ન હતું. મોટા ધંધા લઈને બેઠેલા, સમાજમાં મોટું નામ અને પ્રતિષ્ઠા મેળવનારાઓ પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે એવી રજૂઆતો કરે છે અને જાણીને આશ્ચર્ય થાય છે.
છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજ અને મૂડી આપ્યા નથી અને લેણદાર ફોન કરે તો ઉપાડે નહિ. ફોન ઉપાડે તો વાયદા આપે અથવા `પછી ફોન કરું છું'નો જવાબ આપે એ પરિસ્થિતિ હવે બદલાઈ છે. લેણદાર અને દેવાદાર સામસામે બેસે છે. લેણદારને આશ્વાસન મળે છે. પૈસા ક્યારે પાછા આવશે તે પણ સાંભળવા મળે છે.
વ્યાજની રકમ આવતી બંધ થવાથી અમૂક લેણદાર ડિપ્રેશનમાં આવી ગયા હતા. ઘાટકોપરના એક લેણદાર ડિપ્રેશનમાં આવી ગયા હતા. જે ઘેરથી ચાલ્યા ગયા પછી મૃતદેહ મળ્યો હતો આ ઘટના આઘાત પહોંચાડનારી છે. એક બહેન વ્યાજની આવક પર નભતાં હતાં. દોઢ વર્ષ પૈસા મળ્યા નહિ એટલે એક ટંક જમતા. કોઈની દીકરીના લગ્ન વિલંબમાં પડયાં તો કોઈની દવા બંધ થઈ હતી.
કચ્છી સહિયારું અભિયાન લેણદાર અને દેવાદાર બંને વચ્ચે સંજીવની રૂપ છે. સેતુરૂપ છે. સમાજમાં અનિશ્ચિતતા અને અસલામતીનો માહોલ સર્જાયો હતો તેને બ્રેક લાગી છે. લોકોને આશા બંધાઈ છે. જોકે, એક કરોડ કે એનાથી વધુ રકમના લેણદારોને નાણાં મેળવતાં પાંચ-સાત વર્ષ પણ લાગી શકે છે, એવું અભિયાનના અગ્રણીઓએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer