અમેરિકાના સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ડોભાલ સાથે કરી વાત

ભારતને સ્વરક્ષાનો અધિકાર
વોશિંગ્ટન, તા. 16 : કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ અમેરિકા સતત ભારતને સમર્થન કરી રહ્યું છે અને પાકિસ્તાનને આતંકવાદી ઠેકાણાનો સફાયો કરવાની ચેતવણી બાદ હવે વધુ એક પગલું ભર્યું છે. અમેરિકી સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને શુક્રવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ફોન ઉપર પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. જોન બોલ્ટને વાતચીતમાં કહ્યું હતું કે, અમેરિકા ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરે છે.  બોલ્ટને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોના સુરક્ષિત આશ્રય સ્થળો અંગે અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે. બોલ્ટને પુલવામા હુમલા ઉપર સંવેદના વ્યક્ત કરવા માટે અજીત ડોભાલને ફોન કર્યો હતો. તેમજ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને પૂર્ણ સમર્થનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાનની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે. આ અગાઉ વ્હાઈટ હાઉસ સચિવે કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય તેના માટે કાર્યવાહી કરવી જોઈએ.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer