દેશની વેપારખાધ વધી 15.67 અબજ ડૉલર

નવી દિલ્હી, તા. 16 : જાન્યુઆરીમાં માલ-સામાનની નિકાસનો 3.74 ટકાનો ઝમક વગરનો વૃદ્ધિદર રહ્યો હતો. પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ ગુડ્સ અને ચર્મ પ્રોડકટ્સની નિકાસ ધીમી પડી ગઈ હોવાથી તેની સમગ્રપણેની કુલ નિકાસ પર અસર થયેલી જણાઈ હતી.
નિકાસવૃદ્ધિ ધીમી પડતાં જાન્યુઆરી, '19માં દેશની વેપાર ખાધ વધીને 15.67 અબજ ડૉલર નોંધાઈ હતી. જે 2018ના જાન્યુઆરીમાં 14.73 અબજ ડૉલર રહી હતી. સૂચિત મહિનામાં આયાત લગભગ ટકેલા જેવી 41.1 અબજ ડૉલર રહ્યાનું નોંધાયું હતું.
વાસ્તવમાં વૈશ્વિક વેપાર વૃદ્ધિ ધીમી પડી ગઈ છે અને તેમાં ચીન તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની ઉત્પાદકતા સંકોચનને લઈને આ ચિત્ર ઊપસ્યું છે. સૂચિત મહિને લગભગ બધાં જ ક્ષેત્રોએ સાધારણ વૃદ્ધિ દાખવી હતી. જોકે, પેટ્રોલિયમ ક્ષેત્રનો ઊંચો નકારાત્મક વૃદ્ધિ દર જણાયો હતો. એપ્રિલ-જાન્યુઆરી, '19ના ગાળા માટે કુલ નિકાસ 9.52 ટકા રહી જે ગયા નાણાકીય વર્ષના આ ગાળાના આંકડાની તુલનામાં ઊંચી ગણાય. સૂચિત ગાળામાં કુલ આયાત 11.27 ટકા ઊંચી એટલે રૂા. 427.73 અબજ નોંધાઈ હતી. જેથી વેપાર ખાધ વધીને 155.93 અબજ ડૉલર રહી હતી. જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ 10 માસના સમાન ગાળામાં 136.22 અબજ ડૉલર નોંધાઈ હતી.
2018-'19માં નિકાસ 330 અબજ ડૉલરની થવાની સરકારને અપેક્ષા છે. હવે જે ક્ષેત્રોએ જાન્યુઆરીમાં ઊંચો નિકાસ આંક દેખાડયો તેમાં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, જેમ્સ - જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક ગુડ્ઝ હતા તો પેટ્રોલિયમ પ્રોડક્ટ, ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ અને મોતી તથા કિંમતી સ્ટોન્સ વગેરે રહ્યા છે. તો પેટ્રોલિયમ પ્રોડકટ્સ, ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ અને મોતી વગેરેની આયાત ઘટાડાતરફી રહી હતી. સોનાની આયાત સૂચિત મહિને 38 ટકા વધીને 2.31 અબજ ડૉલરની થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer