આતંકવાદી હુમલા વિશે રાજકારણ રમાવું નહીં જોઈએ : શરદ પવાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલો હુમલો એ દેશ પરનો હુમલો છે. તે મુદ્દા વિશે રાજકારણ રમાવું ન જોઈએ એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું છે.
પવારે ગઈકાલે બારામતીમાં જણાવ્યું હતું કે વર્ષ 2014માં સત્તા મેળવી તે પહેલા મોદી આતંકવાદી હુમલા સમયે પાકિસ્તાનને જડબાતોડ ઉત્તર આપવાની સલાહ તત્કાલીન મનમોહન સિંઘ સરકારને આપતા હતા. હવે બધા જોઈ રહ્યા છે કે શું બન્યું છે. આમ છતાં તે સમયે મોદી કહેતા હતા એવી માગણી હું નહીં કરું એમ પવારે ઉમેર્યું હતું.
સણસણતો જવાબ આપવાનો છે : સિબલ
કૉંગ્રેસના નેતા કપિલ સિબલે જણાવ્યું હતું કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા વિરુદ્ધ આખો દેશ સંગઠિત છે. આતંકવાદ હુમલાથી આપણે ઝૂકી નહીં જઈએ. આપણે સંગઠિત થઈને ટકી રહેવાની જરૂર છે. આપણે સૈનિકો ગુમાવ્યા છે. આપણે તેનો સણસણતો જવાબ આપવાનો છે. આ પ્રકારના બનાવોથી આપણું મગજ જાણે કામ કરતું ઠપ થઈ જાય છે. જ્યાં આતંકવાદી પેદા થાય છે ત્યાં આપણે જડબાતોડ હુમલો કરવો જોઈએ.
રાષ્ટ્રીય સુરક્ષામાં ઢીલાશ : સૂરજેવાલા
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટરમાં જણાવ્યું હતું કે આપણા જવાનો ઉપર પુલવામામાં થયેલા કાયરતાભર્યા હુમલાને વખોડી કાઢું છું. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોના પરિવારને પ્રત્યે દિલસોજી વ્યક્ત કરું છું. ઊરી, પઠાણકોટ અને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની યાદી મોટી થઈ રહી છે. મોદી સરકાર  રાષ્ટ્રીય સુરક્ષામાં ઢીલાશ દેખાડે છે.
સુશીલકુમારનું વિવાદાસ્પદ નિવેદન
કૉંગ્રેસના નેતા અને કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે પુલવામા હુમલા અંગે મોદી સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. અમે આ હુમલાને વખોડીએ છીએ પરંતુ હું વારંવાર કહેતો આવ્યો છું કે ભાજપની સરકાર અને મોદીનું શાસન કાશ્મીરની પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ નહીં શકે. આ લોકો સર્જિકલ સ્ટ્રાઇકની વાતો કરે છે, વિશ્વને તે વિશે જણાવે છે કારણ કે સર્જિકલ સ્ટ્રાઇકને તેઓ ગુપ્ત રાખી નથી શકતા. આ કારણસર આવું બધું બને છે એમ શિંદેએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer