સિટી કો-અૉપરેટિવ બૅન્કમાં હજારો ખાતેદારોની ડિપૉઝિટ સલવાઈ

મુંબઈ, તા. 16 : મુંબઈની સિટી કો-અૉપરેટીવ બૅન્ક આર્થિક રીતે નબળી પડતા તેના ખાતેદારોએ બૅન્કમાં પોતાના જમા પૈસા કેવી રીતે પાછા મેળવવા એની ચર્ચા કરવા શનિવારે દહિસરમાં ભેગા થયા હતા. બૅન્કની આર્થિક હાલત બગડતા રિઝર્વ બૅન્કે ગઈ એપ્રિલના બૅન્ક પર અમુક નિયંત્રણો મૂકી દીધા હતા.
બૅન્કના ચોપડા પ્રમાણે એની પાસે 550 કરોડ છે જ્યારે ડિપોઝિટરોની સંખ્યા 91,000ની આસપાસ છે. મિટિંગમાં જમા પૈસા કેવી રીતે પાછા મેળવવા એનો વ્યૂહ ઘડવામાં આવ્યો હતો.
બૅન્કના ડિરેક્ટરોમાં અમરાવતીના શિવસેનાના સાંસદ આનંદ અડસૂલ અને તેમનો દીકરો વિધાનસભ્ય અભિજિત અડસૂલનો સમાવેશ છે. ચેમ્બુરના 76 વર્ષના બિઝનેસમેન ગોવિંદ ભદરિયા છેલ્લાં 20 વર્ષથી બૅન્કના ખાતેદાર છે અને બૅન્કમાં તેમના એક કરોડ જમા છે. તેમનું કહેવું છે કે આખી જિંદગીની કમાણી બૅન્કમાં છે અને પૈસા હોવા છતાં હું ભિખારી થઈ ગયો છું. ગયા વર્ષે એપ્રિલથી હું માત્ર 50 હજાર મેડિકલ ખર્ચના નામે ઉપાડી શકયો છું.
બોરીવલીના નીતિન અંબાણીના ફિક્સ ડિપોઝિટમાં અને અન્ય એકાઉન્ટમાં 20 લાખ છે. બૅન્ક વધુ વ્યાજ આપતી હતી એટલે મેં એમાં પૈસા રાખેલા હવે પસ્તાવો થાય છે.
સંતોષ પાલેકર નામના ખાતેદારે શિવસેના સામે 90,000 પોસ્ટર છપાવ્યા છે અને આ પોસ્ટર્સ તેઓ ખાતેદારોમાં વહેંચવાના છે. સંતોષ પાલેકરના ખાતામાં 30 લાખ રૂપિયા છે.
બૅન્કના ડિરેક્ટર અને વિધાનસભ્ય અભિજિત અડસૂલે કહ્યું હતું કે ખાતેદારોની તકલીફોથી અમે વાકેફ છીએ, પણ આ આર્થિક સંકટ માટે હું કે મારા પિતા જવાબદાર નથી. જૂન 2017માં અમે અમારા ભૂતપૂર્વ સીઈઓ અને જનરલ મૅનેજર સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. અમે બે બૅન્કો સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને આ મંત્રણા અત્યારે અંતિમ તબક્કામાં છે. માર્ચના અંત સુધીમાં ખાતેદારોને રાહત મળે એવી શક્યતા છે. ડિપોઝિટરોને તેમના પૈસા 100 ટકા પાછા મળશે એનું હું આશ્વાસન આપું છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer