મુઝફ્ફર બાલિકાગૃહકાંડમાં હવે નીતિશકુમારની પણ થશે તપાસ

પટણા, તા. 16 : બિહારના મુઝફ્ફરપુર બાલિકાગૃહકાંડમાં મુખ્યમંત્રી નીતીશકુમાર પણ તપાસના ઘેરામાં આવી ગયા છે. વિશેષ પોક્સો અદાલતે સીબીઆઈને મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલામાં નીતીશ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. સીએમ વિરુદ્ધ તપાસના આદેશથી મામલામાં નવો વળાંક આવ્યો છે.
મામલામાં ઝડપાયેલા આરોપી ડો. અશ્વિનીએ પોતાના વકીલ મારફતે બાળગૃહના સંચાલનમાં નીતીશકુમારની ભૂમિકાની તપાસની અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે અશ્વિનીને ગયા વર્ષે નવેમ્બરમાં ઝડપવામાં આવ્યો હતો. અશ્વિની પર સગીર કન્યાઓને ડ્રગ્સનું ઈન્જેક્શન આપવાનો આરોપ છે.
અશ્વિનીએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ તથ્યોને દબાવવાની કોશિશ કરી રહી હતી. જેમાં મુઝફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્રસિંહ, વરિષ્ઠ આઈએએસ અધિકારી અતુલકુમારસિંહ અને સીએમ નીતીશકુમારની ભૂમિકાની તપાસ થવાની હતી. પોક્સો જજ મનોજકુમારે સીબીઆઈને આ ત્રણેય સામે તપાસનો આદેશ આપ્યો હતો. સાતમી ફેબ્રુઆરીએ મામલો મુઝફ્ફરપુર કોર્ટમાંથી દિલ્હીની વિશેષ પોક્સો અદાલતમાં તબદીલ થયો હતો અને આવતા સપ્તાહથી મામલાની સુનાવણી શરૂ થવાની સંભાવના છે.
મુંબઈ સ્થિત ટાટા ઈન્ન્સિ્ટટયૂટ ઓફ સોશિયલ સાયન્સિઝ દ્વારા કરવામાં આવેલા સામાજિક અંકેક્ષણ અહેવાલમાં મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં જાતીય શોષણનો ચોંકાવનારો મામલો જૂન-2018માં સામે આવ્યો હતો. મામલો સામે આવ્યા બાદથી જ રાજકીય દબાણ પણ વધતું ગયું હતું તે પછી 26 જુલાઈ-2018ના રાજ્ય સરકારે મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer