માલ્યા-અંબાણીને કરોડો, કિસાનોને રોજના સાડા ત્રણ રૂપિયા! : રાહુલ

જગદલપુર, તા. 16 (પીટીઆઈ) : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અંબાણી અને માલ્યા જેવા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા આપનાર સરકારે ખેડૂતોને પ્રતિ દિવસ માત્ર રૂા. સાડા ત્રણ આપવાનું વચન આપ્યું છે.
છત્તીસગઢમાં અહીં પછાત વર્ગના સંમેલનને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે, વિજય માલ્યા, અનિલ અંબાણી, નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી જેવા લોકોને કરોડો રૂપિયા અપાયા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સંદર્ભ સાથે કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ યોજના તળે વાર્ષિક છ હજાર, એટલે કે રોજના માત્ર સાડા ત્રણ રૂપિયા આપીને કિસાનોની મજાક કરાઈ છે.
કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં જનાદેશ મળશે, તો સત્તા પર આવ્યા પછી ગરીબોને કમસેકમ આવકની બાંહેધરી આપવા સાથે પૈસા સીધા બેંક ખાતામાં જમા કરાશે તેવું વચન રાહુલ ગાંધીએ આપ્યું હતું.
નોટબંધીના નિર્ણયે આખા દેશને બેંકોની બહાર કતારમાં ઉભાડી દીધો. એ જો કાળાં નાણાં વિરોધી લડાઈ હતી, તો પ્રામાણિક લોકોને શા માટે કતારોમાં ઊભવું પડયું તેવો સવાલ કોંગ્રેસ અધ્યક્ષે કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer