પુલવામા હુમલો : અંજામ દેનાર આદિલ ડારના કુટુંબને આઘાત

ધર્મ તરફ ઝુકાવ ધરાવતા પુત્રના દુષ્કૃત્ય બદલ શર્મ ને ભોંઠપ અનુભવતો પરિવાર
શ્રીનગર તા. 16: પુલવામામાં 40 જવાનો શહીદ થયાના નૃશંસ દુષ્કૃત્યને અંજામ દેનાર આદિલ અહમદ ડાર (21) કાશ્મીરનો રહીશ છે અને તેનો પરિવાર આ ગોઝારી ઘટનાથી ભારે આઘાત પામ્યા છે અને આદિલના આવી હીન હરકતથી ભોંઠપ અનુભવી રહ્યો છે.
આદિલના એક સ્વજન નામે અબ્દુલ રાશિદે જણાવ્યું હતું કે છેવટે તો કોઈ વ્યકિતના જાન લેવાની વાતથી કોઈ કેવી રીતે ખુશ થઈ શકે ?
ભણતર અધૂરેથી છોડી દેનાર આદિલે ગયા વર્ષના 19 માર્ચે તેના ભાઈ સમીર ડાર સાથે ગાયબ થઈ ગયો હતો. મિત્રને મળવા જઈ રહ્યો છું એમ કુટુંબીજનોને કહીને સાઈકલ લઈ નીકળ્યા પછી કયારેય ઘેર પરત આવ્યો નથી. તે ગુમ થયાનો રીપોર્ટ તેના માતપિતાએ પોલીસમાં નોંધાવ્યો હતો.  તેમનો દીકરો આતંકવાદીઓ સાથે ભળી ગયો છે એવા ખબર થોડા દિવસ પછી જાણતાં પરિવારજનોને ઝાટકો લાગ્યો હતો. તેઓએ પુત્રને ઘેર પરત લાવવાની નેમથી ઓનલાઈન વીડિયો પોસ્ટ કરી તેને વિનંતી કરી પરંતુ તે દરમિયાન તેમનો પુત્ર કયાંય `આગળ નીકળી ચૂકયો' હતો. આદિલ પુલવામામાં ઘેર ઘેર જઈ કપડા વેચનાર ગુલામ હસન ડારનો વચેટ પુત્ર છે, સૌથી મોટા પુત્રનું કાષ્ટનું કામ છે, જયારે સૌથી નાનો આરિફ સ્કુલમાં ભણે છે.
આદિલ આવો કટ્ટરવાદી બનશે તેવું તેઓએ કશું વિચાર્યુ ન હતું એમ રાશિદ જણાવે છે. '1પમાં  તે આદિલ હાફિઝ થઈ ગયો હતો.  પૂરું કુરાન તેને કંઠસ્થ હતું અને મઝહબ તરફ તેનો ઝુકાવ વધી રહ્યો હતો, પરંતુ '16માં બુરહાન વાનીના મોત બાદ પથ્થરબાજી દરમિયાન તેના પગમાં પેલેટ ગનની ગોળી લાગી ગઈ હતી અને કદાચ તે પછી તે કટ્ટરપંથી થયો હશે એમ રશિદ જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer