નાગરિકતા કાયદાથી આસામ-ઈશાનની પ્રજાનાં હિત નહીં જોખમાય : મોદી

નાગરિકતા કાયદાથી આસામ-ઈશાનની પ્રજાનાં હિત નહીં જોખમાય : મોદી
પૂર્વોત્તર રાજ્યોની પ્રજાની મહત્ત્વાકાંક્ષાઓનું રક્ષણ કરવા એનડીએ સરકાર પ્રતિબદ્ધ
ચંગસારી (આસામ), તા. 9 (પીટીઆઈ) : નાગરિકતા ખરડાના મુદ્દે આસામમાં વિરોધી પ્રદર્શનો અને કાળા વાવટાના દેખાવો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ કાયદા વિશેની ભીતિઓને દૂર કરવાનો પ્રયાસ કરીને એવો દાવો કર્યો હતો કે આ કાયદાથી આસામની અને ઇશાન ભારતની પ્રજાનાં હિતોને કોઈ પણ રીતે હાનિ નહીં પહોંચે.
આસામના સ્વાસ્થ્ય પ્રધાન અને ભાજપના નેતૃત્વવાળા એનડીએના કન્વીનર હિંમત વિશ્વ શર્માના આ વિધાનસભા મતદાર ક્ષેત્રમાં જાહેર રૅલીને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે આસામ અને ઇશાન ભારતની પ્રજાની ભાષા, સંસ્કૃતિ, સંસાધનો, આશા અને મહત્ત્વાકાંક્ષાઓનું રક્ષણ કરવા પ્રત્યે એનડીએની સરકાર પ્રતિબદ્ધ છે.
આસામમાં ચાંગસારીના અમીનગાંવમાં નાગરિકતા સંશોધન બિલ અને એનઆરસીને જરૂરી ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી દળો પર ભ્રમ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આપણે ભારતના સંસાધનોનો કબજો કરવાના ઇરાદે ઘૂસનારા અને અત્યાચારના કારણે પોતાનું ઘર છોડવા મજબૂર  લોકોની વચ્ચેનો ફરક સમજવો જોઇએ.
તેમણે એમ પણ કહ્યું કે, કોઇ તપાસ અને રાજ્યની ભલામણ વિના કોઇનેય નાગરિકતા નહીં અપાય. એટલું જ નહીં, આસામમાંથી ભારતરત્ન વિજેતા ભૂપેન હઝારિકા અને ગોપીનાથ બારદોલોઇને દાયકાઓ સુધી સન્માન ન મળવા બદલ તેમણે કોંગ્રેસ સામે અપ્રત્યક્ષપણે પ્રહારો
કર્યા હતા.
નાગરિકતા ખરડા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ માત્ર આસામ અને ઉત્તર-પૂર્વ માટે નથી બલ્કે દેશના અનેક ભાગોમાં `મા ભારતી' પર આસ્થા રાખનારા, ભારત માતાની જય બોલનારા એવા સંતાનો માટે છે જેણે પોતાનો જીવ બચાવી `મા ભારતી'ની ગોદમાં આવવું પડયું છે.  ભલે તે પાકિસ્તાનથી આવ્યા હોય કે અફઘાનિસ્તાનમાંથી. 1947થી પહેલાં બધા ભારતના ભાગો હતા. આસ્થાના આધારે દેશનું વિભાજન થયું તો એ દેશોમાં લઘુમતીઓ, હિન્દુ, જૈન, શીખ, પારસી, ઇસાઇ એવા લોકો ત્યાં રહી ગયા હતા.  તેમની સાથે જે થયું તેમને મળશો તો ખબર પડશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમને સંરક્ષણ આપવું હિન્દુસ્તાનનું કર્તવ્ય છે. હું ઉત્તર-પૂર્વના લોકોને ભરોસો આપું છું કે, તેનાથી આસામ અને ઉત્તર-પૂર્વના લોકોને કોઇ ક્ષતિ નહીં થવા દઉં. આવશ્યક તપાસ અને રાજ્ય સરકારની ભલામણ બાદ જ નાગરિકતા આપવાનો નિર્ણય લેવાઇ શકે છે. તપાસ વિના અને રાજ્યની ભલામણ વિના નાગરિકતા આપવાનો સવાલ જ નથી. તેમણે એમ પણ કહ્યું કે, ભારત સરકાર નાગરિકતા બિલ ઉપરાંત આસામ સમજૂતીમાં નિહિત 6 સમુદાયોને જનજાતિનો દરજ્જો આપવા પર કામ પણ કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer