`મની લોન્ડરિંગ'' કેસ : વડરા ત્રીજી વાર ઈડી સમક્ષ હાજર

`મની લોન્ડરિંગ'' કેસ : વડરા ત્રીજી વાર ઈડી સમક્ષ હાજર
નવી દિલ્હી તા. 9: વિદેશોમાંની સ્થાવર મિલકતોની ખરીદીમાં મની લોન્ડરીંગ આચરવાના આક્ષેપો સબબ ચાલતી તપાસમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વડરાની આજે સતત ત્રીજીવાર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા. તા. 6 અને તા.7 બાદ આજે ય તેમની પૂછપરછ થઈ હતી. પ્રથમ પૂછપરછમાં સાડા પાંચ કલાક અને બીજીમાં 9 કલાક તેમને સાણસામાં લેવાયા હતા. તા. 7મીની પૂછપરછમાં વડરાએ, કેસની તપાસના ભાગરૂપ એજન્સીએ મેળવેલા કે જપ્ત કરેલા દસ્તાવેજોનો સામનો કરવો પડયો હતો,  આમાં નાસતા ફરતા સંરક્ષણ ડિલર સંજય ભંડારીને લગતા દસ્તોવેજોનો ય સમાવેશ થાય છે.
વડરાએ કેટલાક દસ્તાવેજ તપાસનીશ અધિકારીને સહભાગી કર્યા હતા અને અન્ય દસ્તાવેજો જયારે મળશે ત્યારે તે પૂરા પાડવા ખાતરી ય આપી હતી એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ઈડીનો વડરા સામેનો કેસ લંડનના 12, બ્રાયન્સ્ટન સ્ક્વેર ખાતેની 19 લાખ પાઉન્ડની કિમતની મિલકતની ખરીદીમાં મની લોન્ડરીંગના આક્ષેપોને લગતો છે.
એજન્સીએ દિલ્હી કોર્ટને જણાવ્યું છે કે લંડનમાં વડરાની માલિકીની નવી વિવિધ મિલકતો વિશેની માહિતી તેને મળી છે. તેમાં બે અન્ય આવાસો(એક પચાસ લાખ પાઉન્ડનું અને બીજું ચાલીસ લાખ પાઉન્ડનું) છ અન્ય ફલેટ્સ અને કેટલીક અન્ય મિલકતો વિશેની આ માહિતી છે. વડરાએ પોતે કોઈ ગેરકાયદે વિદેશી મિલકતો ધરાવતા હોવાના આક્ષેપોનો ઈનકાર કર્યો હતે. તેમણે આને રાજકીય કિન્નાખોરી ગણાવી કહ્યું હતું કે રાજકીય ઈરાદાઓ પાર પાડવા મને દોડાવાઈ રહ્યો છે અને પરેશાન કરવામાં આવી રહ્યો છે.
વડરાના નિવેદનને પીએમએલએની સેકશન પ0 હેઠળ નોંધવામાં આવ્યું છે. બિકાનેરમાંના અન્ય જમીન કૌભાંડને લગતા કેસમાં વડરા 12મીએ ઈડી સમક્ષ જુબાની આપે તેવી ધારણા છે. કેસમાં એજન્સીને સહકાર આપવા રાજસ્થાન હાઈ કોર્ટે તેમને દોરવણી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer