રાજસ્થાનમાં બીજા દિવસે પણ ગુર્જરો રેલપાટા પર, ટ્રેનસેવાને અસર

રાજસ્થાનમાં બીજા દિવસે પણ ગુર્જરો રેલપાટા પર, ટ્રેનસેવાને અસર
14 ટ્રેન રદ, 20ના રૂટમાં ફેરફાર : ગુર્જર નેતા બૈંસલાએ કહ્યું, અનામત ન મળે ત્યાં સુધી હટશું નહીં
જયપુર, તા. 9 : ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા પોતાના સમર્થકો સાથે ગઈકાલથી રાજસ્થાનના સવાઈમાધોપુર જિલ્લામાં ટ્રેનના પાટા પર બેઠા છે. ગુર્જર આંદોલનને કારણે ટ્રેનવ્યવહારને અસર પહોંચી છે. અત્યાર સુધીમાં 14 ટ્રેન રદ કરવામાં આવી છે; જ્યારે 20 રેલગાડીના માર્ગ બદલવામાં આવ્યા હતા.
સવાઈમાધોપુરની મલારના ડુંગર રેલ પાટે પોતાના સમર્થકો સાથે બેઠેલા બૈંસલાએ કહ્યું કે, ગુર્જર સમુદાયને જ્યાં સુધી પાંચ ટકા અનામત નહીં મળે ત્યાં સુધી અમે પાટા પરથી હટીશું નહીં. તેમણે કહ્યું કે, ગુર્જરોને અનામત આપવાનું સરકારે પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું એટલે હવે સરકારની જવાબદારી છે કે તે અમને અનામત આપે.
બૈંસલાએ કહ્યું કે, આપણી પાસે સારા વડાપ્રધાન અને મુખ્યમંત્રી છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ ગુર્જરોની માંગ સાંભળે.  ગુર્જર સમુદાયની માંગને પૂરી કરવી તેઓ માટે મોટું કામ નથી. તેમણે ગઈકાલે આંદોલન પર બેસતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાના વચનને પૂરું કરવું જોઈએ. આ વખતે અમે ચૂકશું નહીં.
ગુર્જર નેતાએ કહ્યું કે, ચીજો જલદીથી બદલી રહી છે. તેઓ જાતે અહીં આવ્યા નથી, પરંતુ લોકો તેમને રેલવે ટ્રેક સુધી લઈને આવ્યા છે. વિરોધ શાંતિપૂર્વક કરવામાં આવશે. આંદોલનને ધ્યાને લેતાં વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer