મેમાં બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજવા આરબીઆઇની કેસીબીએલને ખાતરી

મેમાં બોર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજવા આરબીઆઇની કેસીબીએલને ખાતરી
કપોળ બૅન્કના ખાતેદારો માટે રાહતના સમાચાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.9 : કપોળ બૅન્કના ગ્રાહકો માટે ખુશ ખબર છે. બૅન્કની કથળતી હાલતના પગલે બૉર્ડ અૉફ ડિરેક્ટર્સને બરખાસ્ત કરીને 20 જૂન 2014ના રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કપોળ બૅન્કના સંચાલક (ઍડમિનિસ્ટ્રેટર)ની નિમણૂક કરી હતી. ઍડમિનિસ્ટ્રેટરની મુદત પૂરી થઇ રહી હોવાથી બૅન્કના નવા બૉર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી મેમાં યોજવાની આરબીઆઇએ ખાતરી આપી છે. બૅન્કના કર્મચારીઓ અને શૅર હૉલ્ડરો તેમ જ ખાસ તો ન્યાય માટે ખાતેદારોના સંગઠન કપોળ કેસીબીએલની સતત રજૂઆતના પગલે આરબીઆઇએ નવેસરથી બૅન્કના બૉર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણીની ખાતરી આપી છે. 
કપોળ કેસીબીએલ તરફથી યતિન મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં આરબીઆઇ તરફથી અમને મળેલા પત્રમાં જણાવાયું છે કે આરબીઆઇની દેખરેખ હેઠળ મેમાં કપોળ બૅન્કના બૉર્ડ અૉફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજાશે અને જૂન મહિનામાં પરિણામો બાદ બૉર્ડની વરણી થશે અને ઍડમિનિસ્ટ્રેટરની સત્તાનો અંત આવશે.
મહેતાએ જણાવ્યું હતું કે ખાતેદારોના પૈસા ચૂકવવામાં થોડો સમય લાગશે પરંતુ અત્યારે આરબીઆઇ, કપોળ કેસીબીએલ તેમ જ બૅન્કના કર્મચારીઓની મહેનત રંગ લાવી છે અને ખાતેદારોને તેમની રકમ પરત મળવાની આશા જાગી છે. સંગઠન તરફથી વહેલી તકે ખાતેદારોને રાહત આપવાના પ્રયાસો થશે. 
કપોળ કેસીબીએલના ટ્રસ્ટી ધવલ મહેતાએ જણાવ્યું હતું કે આરબીઆઇના સહકારી વિભાગના અધિકારીઓ સાથે મંગળવારે અમારી બેઠક સકારાત્મક રહી હતી અને બૅન્કના નવા ડિરેક્ટરો અને કમિટી માટે વહેલાસર ચૂંટણી યોજવાની ખાતરી અપાઇ હતી. ખાતેદારોને માર્ચમાં તેમના કેવાયસી (નો યોર કસ્ટમર) અપડેટ કરવાની નોટિસ અખબારોમાં જાહેરખબર દ્વારા મોકલાવવામાં આવશે. 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer