આજે ન્યૂ ઝીલૅન્ડમાં પહેલી ટી-20 શ્રેણી જીતવાનું ભારતનું લક્ષ્ય

આજે ન્યૂ ઝીલૅન્ડમાં પહેલી ટી-20 શ્રેણી જીતવાનું ભારતનું લક્ષ્ય
1-1થી બરાબર શ્રેણીમાં ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે જોવા મળશે ટક્કર : પ્રેક્ષકો માટે સુપર સન્ડે
હેમિલ્ટન, તા. 9 : વર્તમાન સત્રમાં સતત સફળતા મેળવી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝિલેન્ડ સામે રવિવારના રોજ શ્રેણીની ત્રીજા અને અંતિમ ટી20 મેચમાં જીત મેળવીને વિદેશી જમીન ઉપર વધુ એક ઈતિહાસ બનાવવા મેદાનમાં ઉતરશે. છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. જેમાં ભારતે પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડને વનડે શ્રેણીમાં હરાવ્યા છે. હવે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટી20 શ્રેણી 1-1થી બરાબર છે.  તેવામાં રવિવારનો દિવસ પ્રશંસકો માટે સુપર સન્ડે બની રહેશે. જો કે હેમિલ્ટનની પીચ ઉપર ભારતીય ટીમે સાવધ રહેવું પડશે. આ મેદાન ઉપર રમાયેલા ચોથા વનડેમાં  ટ્રેન્ટ બોલ્ટી આગેવાનીમાં સ્વિંગ બોલરોએ ભારતીય ટીમને 92 રનમાં પેવેલિયન ભેગી કરી હતી. 
ન્યૂઝિલેન્ડ સામે રવિવારના હેમિલ્ટનમાં પરિસ્થિતિ વનડે કરતા થોડી અસગ રહેશે.  ભારતીય ટીમે પહેલા બે ટી20 મેચમાં એક જ ટીમ યથાવત રાખી હતી અને અંતિમ મેચમાં પણ કોઈ ફેરફારની આશા ઓછી છે.જો ફેરફાર કરવામાં આવે તો યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવને તક મળી શકે છે.  જો કે ચહલ ઉપર અત્યારે વધુ ભરોસો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મેચમાં કુણાલ પંડયા પાછલા બે મેચના પ્રદર્શનને જાળવી રાખવા ઈચ્છશે.  જ્યારે ઝડપી બોલિંગની કમાન ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદના હાથમાં રહેશે. ટીમના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માની રમત ઉપર પણ દારોમદાર રહેશે.  રોહિત શર્માએ બીજા ટી20માં 29 બોલમા 50 રન ફટકાર્યા હતા. તેમજ શિખર ધવને પણ ફોર્મમાં આવવાના સંકેત આપ્યા હતા. બીજી તરફ ભારતીય ટીમના મધ્યક્રમની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોની ઉપર રહેશે. આવી જ રીતે ન્યૂઝિલેન્ડની ટીમ  મધ્ય ઓવરમાં સારી બેટિંગ કરવા ઉપર ધ્યાન આપી શકે છે. કેપ્ટન કેન વિલિયમ્સન એકદિવસીય મેચમાં ખ્યાતિ અનુસાર પ્રદર્શન કરી શક્યો નહોતો અને દિગ્ગજ રોઝ ટેલર પણ અસફળ રહ્યો હતો. બોલિંગની વાત થાય તો ટિમ સાઉથી પહેલા ટી20માંપ્રભાવશાળી રહ્યો હતો. પરંતુ બીજા મેચમાં પ્રદર્શન સરેરાશ રહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer