ભારતીય મહિલા ટીમનો ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રતિષ્ઠાનો જંગ

ભારતીય મહિલા ટીમનો ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રતિષ્ઠાનો જંગ
ટી-20 શ્રેણીની પહેલી બે મૅચમાં હારનો સામનો કર્યા બાદ સાંત્વના જીત મેળવવાનું દબાણ
હેમિલ્ટન, તા. 9 : ભારતીય મહિલા ટીમ રવિવારે ન્યૂઝિલેન્ડ સામે ત્રીજા અને અંતિમ ટી20 મેચમાં પ્રતિષ્ઠા બચાવવાના હેતુએ રમશે. ન્યૂઝિલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં ભારતીય મહિલા ટીમ પોતાનું પ્રદર્શન જાળવી શકી નથી અને શ્રેણી 2-0થી ગુમાવી દીધી છે. ત્યારે હવે વ્હાઈટવોશ ટાળવાનું દબાણ ટીમ ઉપર રહેશે. આ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કોરની આગેવાનીમાં ટીમ પાછલા મેચની બેટિંગમાં સુધરેલા પ્રદર્શનને જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
એકદિવસીય શ્રેણી 2-1થી જીતનારી ભારતીય મહિલા ટીમે ટી20 શ્રેણીના પહેલા બે મેચ ગુમાવ્યા છે. આઈસીસી ટી20 વિશ્વકપ માટે ટીમ તૈયાર કરવાની વાતને ધ્યાને લઈને ભારતે પહેલા બે મેચમાં અનુભવી મિતાલી રાજને તક અપાઈ નહોતી. જો કે આ નિર્ણયથી ફાયદો થશે કે નહી તે આગામી સમયમાં જ ખબર પડશે. ભારતીય ટીમ પહેલો ટી20 મેચ 23 રને અને બીજો મેચ 4 વિકેટે હારી છે. શ્રેણી ગુમાવ્યા બાદ હરમનપ્રીતે કહ્યું હતું કે, તેઓ ટીમ  તૈયાર કરી રહ્યા છે. આજે ભલે મુશ્કેલી પડી રહી હોય પણ આગામી સમયમાં પ્રદર્શન સુધરી જશે. શરૂઆતના બન્ને મેચમાં ભારતીય ટીમ 140 રનના સ્કોરે પણ પહોંચી શકી નહોતી. આ સ્કોર ન્યૂઝિલેન્ડ સામે ઓછો ગણવામાં આવે છે. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રીગ્ઝ પહેલા બે મેચમાં ટોપ
સ્કોરર રહી હતી. પરંતુ પરેશાનીનું મુખ્ય કારણ કેપ્ટન હરમનપ્રીતનું પ્રદર્શન રહ્યું છે અને તે બન્ને મેચમાં સારૂ પ્રદર્શન કરી શકી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer