અંતે મલેશિયાથી છૂટા ભાગો આવી ગયા
મુંબઈ, તા. 9 : મોનોરેલના છૂટા ભાગો મલેશિયાથી આવી ગયા હોવાથી મોનોરેલનો બીજો તબક્કો માર્ચ મહિનામાં શરૂ થાય એવા ઉજ્જવળ સંજોગો ઊભા થયા છે. ત્રણ ગાડીઓ છૂટા ભાગો ન હોવાથી રિપેર થતી નહોતી પરંતુ હવે એનું સમારકામ થશે.
મોનોના કાફલામાં કુલ દસ ગાડી છે. આમાંથી ફક્ત પાંચ ગાડી ચેમ્બુરથી વડાલા માર્ગની સેવામાં છે. બાકીની પાંચ ગાડીમાંથી બે ગાડી રિપેરિંગ માટે ગઈ હતી અને ત્રણ ગાડી બગડેલી છે. આ ત્રણ ગાડીને રિપેર કરવા રિપેર પાર્ટની જરૂર હતી. છૂટા ભાગો અને નવી ગાડીની જવાબદારી અગાઉ મલેશિયાની સ્કોમી કંપની પાસે હતી. જોકે એમએમઆરડીએ અને સ્કોમી વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો. ડિસેમ્બર મહિના સુધી સ્કોમી નવી ગાડી મોકલાવે એવી અપેક્ષા હતી પરંતુ સ્કોમીએ આ ગાડી મોકલાવી નહીં. મોનો ચલાવવા એમએમઆરડીએ અને સ્કોમી વચ્ચે કરાર થયો હતો. જોકે સ્કોમી કરારનું પાલન કરતી નથી એવો આક્ષેપ એમએમઆરડીએ કર્યો છે. જોકે એમએમઆરડીએ સમયસર પ્રોજેક્ટ ચાલુ કરવામાં નિષ્ફળ જતાં અમને આર્થિક નુકસાન થયું છે એવો સ્કોમીએ દાવો કર્યો છે. સ્કોમીએ નવી ગાડી ન મોકલતા એમએમઆરડીએએ સ્કોમીની કરારમાંથી બાદબાકી કરી હતી. આને લીધે આનું આખું સંચાલન એમએમઆરડીએના હાથમાં આવ્યું હતું.
એમએમઆરડીએ ટેન્ડર બહાર પાડીને છૂટા ભાગની વ્યવસ્થા કરી છે. આ પાછળ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
મોનો રેલને સંજીવની
