આદિવાસી યુવતીની પાઈલટ બની ઉડાન ભરવાની મહત્ત્વાકાંક્ષા

આદિવાસી યુવતીની પાઈલટ બની ઉડાન ભરવાની મહત્ત્વાકાંક્ષા
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.9 : ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અરેઠી ગામની મિનલદેવી વસાવા પાઈલટ બનીને ઊંચી ઊડાન ભરવા માગે છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને સરકાર દ્વારા પણ છેલ્લા 8 માસથી સ્કોલરશિપ ન મળતા મિનલદેવીને હવે પોતાનું પાઈલટ બનવાનું સ્વપ્ન અધુરું લાગી રહ્યું છે. 
મિનલદેવીના પિતા છત્રસિંહ નેત્રંગ ફોરેસ્ટ વિભાગમાં કર્લાક તરીકે ફરજ બજાવે છે. તેમની પાંચ દીકરીઓ પૈકી મિનલદેવી વડોદરાનાં ભાડાના મકાનમાં રહે છે અને વડોદરામાં આવેલી ગુજરાત ફલાઈંગ કલબમાં કૉમર્શિયલ પાયલટના લાઈસન્સ માટે તાલીમ લઈ રહી છે. મિનલદેવીની 3 બહેનો પૈકી રાજશ્રી પોલીસ વિભાગમાં નોકરી કરે છે. બે બહેનો અંજના અને જયશ્રી પોલીસ તંત્રમાં જવા માટે તૈયારી કરી છે. નાની બહેન મહેશ્વરી બી.એ.નો અભ્યાસ કરી રહી છે. 
ગણતંત્ર દિવસે અરેઠી ગામના લોકોએ પાઈલટ બનવા માટે તાલીમ લઈ રહેલી મિનલદેવીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું હતું અને તેનું સન્માન કર્યું હતું. ગામના સરપંચ સહિત ગામ લોકોએ તેને પાઈલટ બનીને આદિવાસી સમાજનું અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા આપી હતી.  ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા સન્માનથી ગદગદ થઈ ગયેલી મિનલદેવીએ જણાવ્યું હતું કે, મારા પિતા મારી પાઈલટ બનવાની ઈચ્છા પૂર્ણ કરવા મહેનત કરી રહ્યા છે. ફાઈનાન્સિયલ તકલીફ છે. હું સ્કોલરશિપ મળે તે માટે પ્રયત્ન કરી રહી છું. હું પાઈલટ બનવા માટે મારી મહેનતમાં કોઈ કસર છોડવા માગતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer