ટેન્કરમાંથી ઝેરી રસાયણ ખાલી કરતી વખતે ધડાકો : બેનાં મોત, એક ગંભીર

ટેન્કરમાંથી ઝેરી રસાયણ ખાલી કરતી વખતે ધડાકો : બેનાં મોત, એક ગંભીર
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 9 : કદોડરા ચલથાણ નજીક ગોકુળધામ સોસાયટી પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કર નં. ( જીજે-02- ઝેડ-7927 ) માંથી કેમિકલ ખાલી કરતી વેળા આ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થતાં બે જણના મોત નીપજયા હતા. જયારે એકને સારવાર માટે સુરત સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડયો હોવાનું જાણવા મળ્યા છે. જયાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  
પોલીસ સૂત્રો પાસે  મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરતી વખતે કેમિકલની દુર્ગધથી  ત્રણ જેટલા વ્યકિતના  શ્વાસ રૂંધાયા હતા અને રોડ ઉપર બેહોશ હાલતમાં મળી આવ્યા હતા.  તેઓને તાત્કાલિક સારવાર મળે તે પહેલા  બે વ્યકિતના  ઘટના સ્થળે કરુણ મોત નીપજયા હતા. જયારે ડ્રાઇવરને સારવાર માટે સુરત ખાતે સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડયો હતો. જયાં તેની તબિયત ગંભીર હોવાનું જાણવા મળે છે. 
જોકે, હાલ આ દુર્ઘટના પાછળનું કોઇ ચોકકસ  કારણ જાણી શકાયું નથી.  પરંતુ છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર અને  વાપીથી કેમિકલ ભરેલા ટેન્કરો સુરત જિલ્લાની ખાડીઓમાં ઝેરી કેમિકલો  ખાલી કરવા આવતા હોવાનું જાણવા મળ્યું છે.  આ ટેન્કર પણ ખાડીમાં ખાલી  કરતી વેળાજ અચાનક વાલ્વ  ફાટી જતા ગેસ ગૂંગળામણથી ત્રણેય  વ્યકિતઓ બેભાન થઇ ગયાનું મનાય છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer