ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડનો મૃતકાંક 92 થયો

હજુ પણ અનેક અસરગ્રસ્ત સારવાર હેઠળ : 30 જણની ધરપકડ
સહારનપુર/લખનૌ,  તા. 9 : ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી શરાબથી મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. સહારનપુર, રુડકી અને કુશીનગરમાં ઝેરી શરાબના સેવનથી મૃત્યુ પામનારાઓનો આંક 92 થયો છે જેમાં સહારનપુરના 64, રૂડકીના 20 અને કુશીનગરમાં 8નો સમાવેશ થાય છે. આ કાંડમાં સહારનપુરના 18 જણના મોત સારવાર દરમ્યાન મેરઠમાં થયાં હતાં. ઉત્તરપ્રદેશ સરકારના જણાવ્યા મુજબ ઝેરી શરાબથી મરનારા મોટાભાગના એ લોકો છે જે ઉત્તરાખંડમાં તેરમાના સંસ્કારમાં સામેલ થવા ગયા હતા અને આ લોકોએ ત્યાં જ શરાબનું સેવન કર્યું હતું. બીજીતરફ પોલીસે તપાસ દરમ્યાન ઓછામાં ઓછા 30 લોકોની ધરપકડ કરી હતી અને 400 લિટરથી પણ વધુ ગેરકાનૂની શરાબને જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ઝેરી શરાબ પીવાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા વધીને હવે એકલા ઉત્તરપ્રદેશમાં 36 ઉપર પહોંચી ચૂકી છે. શુક્રવારના દિવસે વહીવટીતંત્ર દ્વારા 20ના મોતને સમર્થન આપ્યું હતું. હજુ પણ મોટી સંખ્યામાં લોકો સારવાર હેઠળ છે અને ઘણાની હાલત ગંભીર છે. 
સહારનપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક પાંડેએ જણાવ્યું છે કે, હજુ સુધી 46 લોકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી ચૂક્યા છે જે પૈકી 36ના મોત ઝેરી શરાબના કારણે થયા છે જેમાં સહારનપુરથી સારવાર માટે લાવવામાં આવેલા 18 જણનો પણ સમાવેશ થાય છે. 
સહારનપુર એસએસપી દિનેશકુમારે કહ્યું છે કે, ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચૂકી છે. કાર્યવાહીનો દોર આક્રમક રીતે જારી રાખવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 30 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 25 એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી ચૂકી છે. હજુ સુધી 400 લિટરથી વધારે ગેરકાયદે શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 
શરાબના મોતના મામલામાં પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે કે, કુશીનગર અને સહારનપુરમાં શરાબનો જે જથ્થો લાવવામાં આવ્યો હતો તે બિહાર અને ઉત્તરાખંડનો હતો. ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, ઉત્તરાખંડના રુરકીના એક વિસ્તારથી સહારનપુરમાં ઝેરી શરાબનો જથ્થો પહોંચ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer