મોદીની અરુણાચલ મુલાકાત સામે ચીનના વિરોધને વખોડતું ભારત

સીમાવર્તી રાજ્ય ભારતનો અભિન્ન હિસ્સો : વિદેશ મંત્રાલય
નવી દિલ્હી, તા. 9 : ચીને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશ પ્રવાસનો વિરોધ કરતાં કહ્યું હતું કે, ભારતીય નેતૃત્વએ `સીમા વિવાદ' જટિલ બને તેવા કોઇ પગલાં ભરવાં ન જોઇએ. ભારતે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અરુણાચલ અમારો અભિન્ન હિસ્સો છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે જણાવ્યું હતું કે, ચીન-ભારત સીમાના સંબંધમાં અમારું વલણ સ્પષ્ટ છે.
ભારતીય નેતા વખતોવખત અરુણાચલનો પ્રવાસ એવી રીતે કરે છે જેમ ભારતના જ કોઇ  ભાગનો કરતા હોય, તેવી હીન ટિપ્પણી ચીની વિદેશ પ્રવક્તાએ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે મજબૂત પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે, તે અંગે ચીનને અનેકવાર વાકેફ કરાયું છે.
ચીનની સરકારે કથિત અરુણાચલ પ્રદેશને કદી માન્યતા નથી આપી અને ચીને ભારતીય નેતાની ચીન-ભારત સીમાના પૂર્વીય ભાગની મુલાકાતનો વિરોધ સદાય કર્યો છે તેવું ચુનિયિંગે  જણાવ્યું હતું.
ચીન ભારતને અપીલ કરે છે કે તે બંને દેશના સહિયારા હિતોનું ધ્યાન રાખે. ચીનની ચિંતાઓનું સન્માન કરે તેવું તેમણે ઉમેર્યું હતું.
હકીકતમાં ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો ભાગ ગણાવે છે. સીમા વિવાદ ઉકેલવા માટે બંને દેશ વચ્ચે 21 તબક્કામાં વાતચીત થઇ ચૂકી છે. ચીન પોતાનું વલણ બતાવવા અરુણાચલમાં ભારતીય નેતા જાય તો વિરોધ કરતું રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer