સેઝની આડમાં પનવેલની જમીન ઊંચા દામે વેચી મારવાનો મેહુલ ચોકસીનો કારસો વિફળ

નવી મુંબઈ, તા. 9: પનવેલના તહેસિલદારે, મેહુલ ચોકસી અથવા તેના મળતિયાઓની માલિકીના 32 પ્લોટોની યાદી રાયગઢ કલેકટોરેટને આપી ત્યારે તે બાબત પ્રકાશમાં આવી હતી કે મેહુલે તેની કંપની ગિતાંજલિ જેમ્સ લિ. (જીજીએલ) માટે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન ઉભો કરવા આ જમીન કટકા ખરીદ્યા હતા પણ પછી તેનો ઈરાદો, એક વાર જમીનના ભાવ ઉંચકાય એટલે વેચી મારવાનો હતો. પનવેલના ચિરવાટ, સંગુર્લી અને તુરમાલે ગામમાંના આ જમીન કટકામાંથી 27 મેહુલના નામે હતા. જમીનના વેચાણમાંથી નફો રળવાની તેની પેરવી હતી, પરંતુ સેઝ સાકાર ન થતાં તેનો ઈરાદો બર આવ્યો ન હતો એમ અધિકારીએ જણાવ્યુ હતું.
ગયા ઓકટોબરમાં રાયગઢના કલેકટરે પનવેલના તહેસીલદારને જીજીએલની માલિકીની જમીનની વિગતો રજૂ કરવા જણાવ્યુ હતું. તહેસીલદારે જવાબ આપ્યો હતો કે જીજીએલના નામે કોઈ જમીન નથી. ગયા કલેકટોરેટે તહેસીલદારને વિગતો ફરી ચકાસી જવા તાકીદ કરી કારણ કે પનવેલમાં સૂચિત જીજીએલ સેઝ અંગે વિકાસ કમિશનર (ઉદ્યોગ) દ્વારા માર્ચ '08નો ઓર્ડર હતો. તહેસિલદાર દીપક અકાડેએ બુધવારે રીપોર્ટ રજૂ કરતા જણાવ્યુ હતું કે પ્લોટ્સના રેકર્ડ્ઝમાં એવુ બહાર આવ્યુ છે કે તે જીજીએલના નામે નથી. કેન્દ્ર સરકારે માર્ચ '17માં  સૂચિત સેઝ રદ કર્યુ હતું. જીજીએલનો સ્ટાફ રાજયના વિકાસ  કમિશનર (ઉદ્યોગ)ને બે વાર મળ્યો પરંતુ રાજયે સેઝ જમીન મંજૂરી ઓર્ડર બે માસ બાદ પાછો ખેંચી લીધો.
ચળવળકાર સંતોષ ઠાકુરે જણાવ્યુ હતું કે નફો રળીને કલદાર બનાવી લેવાનો ચોકસીનો આ શાતીર પ્રયાસ હતો, જેને શાસને ફાવવા ન દીધો.     
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer