ગુજરાતમાં એક જ દિવસમાં સ્વાઇન ફલૂથી 11નાં મૃત્યુ

અન્ય નવા કેસો સામે આવ્યા: હચમચી ઊઠેલી કેન્દ્રએ નિષ્ણાતોની ટીમ મોકલી
અમદાવાદ,તા. 9 : ગુજરાતમાં સ્વાઈન ફલુનો કાળો કેર આજે યથાવત રીતે જારી રહ્યો હતો. સ્વાઈન ફલૂના કારણે આજે એક જ દિવસમાં વધુ 11 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. અન્ય નવા કેસો પણ સપાટી ઉપર આવ્યા છે. 11 લોકોના મોત થતાંની સાથે જ સત્તાવાર રીતે મોતનો આંકડો વધીને 62 ઉપર પહોંચ્યો હતો પરંતુ બિનસત્તાવાર રીતે મોતનો આંકડો વધીને 70 ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન સેંકડો લોકો હજુ પણ સારવાર હેઠળ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ સ્વાઈન ફલુના કારણે ચિંતિત દેખાઈ રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ પહોંચી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થિતિના મુલ્યાંકન માટે તથા બિમારીઓથી પહોંચી વળવા માટે કેટલાક પગલાં હાથ ધર્યાં છે જેનાં ભાગરૂપે રાજ્યોની સહાયતા માટે બે ટીમો પણ મોકલી દીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં 7મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન ફલુથી સત્તાવાર રીતે 54ના મોત થયાં હતાં અને 1187 કેસ નોંધાયા હતાં. આ આંકડો નવમી ફેબ્રુઆરીના દિવસે વધીને સત્તાવાર રીતે 62 અને બિનસત્તાવાર રીતે 70 ઉપર પહોંચ્યો હતો. પંજાબ અને રાજસ્થાનમાં પણ હાલત કફોડી બનેલી છે. પંજાબમાં 30ના મોત થયાં છે અને 301 કેસ નોંધાયાં છે. સ્વાઈન ફલુના લીધે દેશભરમાં 226થી વધુના મોત થઇ ગયાં છે. વર્ષ 2019માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 1200થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા 650 જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફલુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલાં દર્દીઓની સંખ્યા હાલમાં 400ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણાં દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.   
આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફલુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા 213 ઉપર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનાના એક જ સપ્તાહના ગાળામાં આ સંખ્યા 134થી પણ ઉપર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઇને હજુ સુધી અમદાવાદમાં છના મોત થઇ ચુક્યા છે જ્યારે 15 લોકોના મોત તો ટૂંકા ગાળામાં જ થયા છે. આજે સ્વાઈન ફલુથી ગ્રસ્ત લોકોના જે વિસ્તારમાં મોત થયાં હતાં તેમાં રાજકોટમાં બે અને વડોદરામાં એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈન ફલૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં સ્વાઈન ફલૂના મોત 2019માં દેશમાં ત્રીજા સૌથી વધુ થયા છે. આજે નવા કેસો સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને 1200થી વધુ પહોંચી ગઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer