370 ભાઈઓ અને 132 બહેનો સ્પર્ધામાં જોડાશે
જૂનાગઢ, તા. 9: પર્વતાધિરાજ ગિરનારના લલાટે તિલક કરવા માટે આવતીકાલ તા. 10ના રાષ્ટ્રીય ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાનાર છે. તેમાં 11 રાજયના 502 સ્પર્ધકો ભાગ લેશે.
સૌરાષ્ટ્રના ધબકાર `ફૂલછાબ' દ્વારા 1971માં ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. વર્ષો સુધી એકલા હાથે સ્પર્ધા યોજી હતી. ત્યારે આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં જોડાઇ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા હતા. પરંતુ સરકારે આયોજન હાથમાં લીધા બાદ પરિવર્તન આવ્યું છે.
ગિરનારની સાહસિક સ્પર્ધા યૌવનની કસોટી કરનારી છે. છતાં સ્પર્ધકો હોંશેહોંશે જોડાય છે. તાજેતરમાં રાજયકક્ષાની સ્પર્ધામાં એકાદ હજાર સ્પર્ધકો જોડાયા હતા. તેમાં ચારેય વિભાગમાં પ્રથમ 25-25 વિજેતાઓ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધામાં નોંધાયેલા 11 રાજયોના સ્પર્ધકોમાં ગુજરાત- 100, મહારાષ્ટ્ર- 42, દિવ- 54, હરિયાણા- 40, રાજસ્થાન- 7, ઉત્તરપ્રદેશ- 31, પંજાબ- 5, મધ્યપ્રદેશ- 155, ઓરિસ્સા- 15, બિહાર- 52 અને છત્તીસગઢ-1નો સમાવેશ થાય છે. તેમાં 370 ભાઇઓ અને 132 બહેનોનો સમાવેશ થાય છે.
આવતીકાલે સવારે ગુલાબી ઠંડી વચ્ચે આ સ્પર્ધકો ગિરનારને સર કરવા પવન વેગે દોટ મુકશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મેડિકલ ટીમો તથા સેવાભાવીઓ, સ્પોર્ટસમેનો વહેલી સવારથી પોતાની ફરજમાં ગોઠવાઇ જશે અને મધરાતથી આવતીકાલ બપોરે સુધી ગિરનાર ઉપર પ્રજાજનો માટે પ્રવેશબંધી લાગુ કરાઇ છે.
ગિરનારને સર કરવા માટે સ્પર્ધકોમાં થનગનાટ પ્રવર્તે છે. પરંતુ તેઓનો ઉત્સાહ વધારવા માટે નગરજનોની પાંખી હાજરી વર્તાય છે. તેમ છતાં આયોજકો દ્વારા કોઇ ચિંતા કરાતી નથી. બપોર સુધીમાં આ સ્પર્ધા સંપન્ન થઇ જશે.
બાદમાં બપોરે મંગલનાથ બાપુની જગ્યામાં ઇનામ વિતરણ સમારોહ યોજાશે. તેમાં વિજેતાઓને શિલ્ડ, ટ્રોફી, રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનજનક રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આમ `ફૂલછાબ' દ્વારા શરૂ કરાયેલ ગિરનાર સ્પર્ધા રાષ્ટ્રીય ફલક ઉપર પહોંચી છે.