ઊંચા ભાવને કારણે ક્રેપ સોનાનું વેચાણ વધ્યું

મુંબઈ, તા. 9 : વિશ્વમાં બુલિયનના બીજા નંબરના સૌથી મોટા વપરાશકાર ભારતમાં ક્રેપ સોનાની સપ્લાય આ કવાર્ટરમાં વધી જવાની શક્યતા છે. કારણ કે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઊંચકાતા વપરાશકારોને સોનાના જૂના જ્વેલરી કે આજી કિંમતની સોનાની ચીજો કે આભૂષણો વેચવા પ્રેરાયા છે. અને આ ક્રેપ માલોની સપ્લાય વધતા દેશની સોનાની આયાત ઘટવાનું ચાલુ રહેશે એમ બજારના નિષ્ણાતો મત વ્યક્ત કરે છે.
દેશમાં ક્રેપની સપ્લાય માર્ચમાં પૂરાં થતાં કવાર્ટરમાં 25 ટનથી વધુ રહેવાની આગાહી થઈ રહી છે જે ગયા વર્ષના સમાનગાળામાં 14.1 ટનની રહી હતી, એમ ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
ભારતમાં મંદિરો અને ઘરેલું વર્ગ પાસે 24,000 ટન સોનું છે. લોકોની ખાસ તો લગ્નગાળા દરમિયાન અને ધાર્મિક તહેવારો (દિવાળી-દશેરા) દરમિયાન તેમાં ખરીદી વધી જતી હોય છે.
કેટલાક કિસ્સામાં ઘણાં કન્ઝયુમર્સ, લગ્ન નિમિત્તે નવા ઘરેણાં ખરીદવા તેની મોંઘારત લઈને અચકાતા હોય છે. આથી તે માટે તેઓ જૂના ઘરેણાં એક્સચેન્જમાં ખરીદવાનું પસંદ કરે છે.
આમ તો ભારતની સોનાની માગમાં બે-તૃતીયાંશ હિસ્સો ગ્રામ્ય વિસ્તારનો રહ્યો છે, પણ આ વખતે તાજેતરમાં પાકના ભાવ ઘટવાતરફી રહેતાં આ વર્ગની માગ અટકી છે અથવા ઘટી છે.
આમ નવા સોના માટે માગ ઓછી રહેતા 2018માં સોનાની આયાત 14 ટકા ઘટી 756.8 ટન રહ્યાનું અંદાજાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer