ઘઉંનો પાક 105 લાખ ટન ઊતરવાની ધારણા

બેંગલુરુ, તા. 9 : આ મોસમમાં ઘઉંનો પાક વિક્રમ 105 લાખ ટન ઊતરવાનો અંદાજ કનાલસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ વ્હીટ એન્ડ બાર્લી રિસર્ચે વ્યક્ત કર્યો છે. ગયે વર્ષે તે 997 લાખ ટન હતો.
ઇન્સ્ટિટયૂટના ડિરેક્ટર જીપી સિંઘે કહ્યું હતું કે `ઘઉંના પાકની સ્થિતિ ખૂબ સારી છે અને હાલની ઠંડી આબોહવા પાકને અનુકૂળ છે. અમને આ વર્ષે 105 લાખ ટન ઊતરવાની આશા છે.'
ઘઉંના વાવેતરની મોસમ લગભગ પૂરી થવા આવી છે ત્યારે તેના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. 1 ફેબ્રુઆરીએ ઘઉંનો વાવેતર વિસ્તાર 297.24 લાખ હેક્ટર હતો, જે ગયા વર્ષના 299.34 લાખ હેક્ટર કરતાં સહેજ ઓછો છે.
વાવેતર સહેજ ઘટયું હોવા છતાં સાનુકૂળ આબોહવા અને ઉચ્ચ પેદાશ આપતી જાતો-હાઈ યીલ્ડીંગ વેરાયટીઝ-ના વાવેતરમાં થયેલા વધારાને કારણે આ વર્ષે વિક્રમ પાક ઊતરવાની ધારણા છે એમ સિંઘે જણાવ્યું હતું.
જોકે નેશનલ કોલેટરલ મૅનેજમેન્ટ સર્વિસીસ લિ.એ ઘઉંનો પાક 2.8 ટકા ઘટીને 969 લાખ ટન થવાની આગાહી કરી છે. વાવેતર ઘટવાથી પાક ઘટવાની તેની ધારણા છે.
એનસીએમએલે ચણાનો પાક ગયા વર્ષના 11.2 લાખ ટનથી ઘટીને 7.1 લાખ ટન થવાની પણ આગાહી કરી છે. મહારાષ્ટ્ર, 
આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં અપૂરતા વરસાદને કારણે ભેજના અભાવથી જ્યારે મધ્યપ્રદેશમાં ઠાર પડવાથી પાકને નુકસાન થવાનો ભય છે.
એનસીએમએલના મતે રાયડા-સરસવનું વાવેતર ઘટવાથી તેનો પાક પણ 2.4 ટકા  ઘટીને 85 લાખ ટન થવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer