ભાજપનું વિશાળ દિલ છે, આયારામ-ગયારામ તો ચાલતું જ રહે : નારાયણ પટેલ કૂણા પડયા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 9: ઊંઝાના ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલ ભાજપમાં જોડાવાનો વિરોધ કરનારા ઊંઝાના ભૂતપૂર્વ પ્રધાન નારાયણ પટેલે સૂર બદલ્યો છે. ભાજપ હાઇકમાન્ડે લાલ આંખ કરતા નારાજ  નારાણ પટેલે હવે આશાબેન પટેલને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. નારાણ પટેલે જણાવ્યું હતું કે, ભાજપનું વિશાળ દિલ છે. આયારામ-ગયારામ તો ચાલતું જ રહે, જેમ દરિયામાં બધી નદીઓના પાણી આવે છે અને દરિયો બધાને સમાવી લે છે તેમ ભારતીય જનતા પાર્ટી દરિયો છે. દુનિયાની મોટામાં મોટી કેડર પાર્ટી છે, અમારી સાથે જે આવે છે તેમનો અમે દિલથી સ્વીકારીએ છીએ.
ડૉ.આશાબેન પટેલના ભાજપમાં જોડાવાથી તમે નારાજ છો તેવા પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે કહ્યું કે, હું કોઇ નારાજ નથી. મેં આશાબેન વિરુદ્ધ કોઇ ફરિયાદ નથી કરી. પાર્ટીમાં 56 વર્ષથી છું અને કામ કરું છું. પાર્ટીના નાનામાં નાના નેતાથી પીએમ સુધી મારા સંબંધો સારા છે. 
ઉલ્લેખનીય છે કે, ઊંઝાના કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે જ્યારથી ડૉ.આશાબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારથી ઊંઝાનું મોટું માથું ગણાતા ભાજપના ભૂતપૂર્વ પ્રધાન નારાણ પટેલ નારાજ હોવાના અહેવાલો વહેતા થયા હતા. નારણ પટેલે  આશાબેન પટેલને ભાજપમાં લેવા સામે વાંધો ઉઠાવ્યાની પણ ચર્ચા વચ્ચે કમલમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મળીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને જો આશાબેન પટેલના અંગત વ્યક્તિને ઊંઝા એપીએમસીનું ચૅરમૅનપદ અપાશે તો, બળવો થશે ગર્ભિત ચિમકી પણ આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer