રામમંદિરના નિર્માણમાં કૉંગ્રેસ અવરોધ સર્જે છે : મોદી

રામમંદિરના નિર્માણમાં કૉંગ્રેસ અવરોધ સર્જે છે : મોદી
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન વખતે વડા પ્રધાનના આકરા પ્રહાર 

વિપક્ષને જોઈએ છે `મજબૂર શાસન' પણ દેશ માગે છે `મજબૂત' સરકાર

પ્રમોદ મુઝુમદાર તરફથી

નવી દિલ્હી, તા.12 : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના સમાપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરોધપક્ષોના મહાજોડાણ અને કોંગ્રેસને નિશાને લઈને આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે દેશને `મજબૂત સરકાર' જોઈએ છીએ પણ વિપક્ષ `મજબૂર' સરકાર લાવવા માગે છે. તેમણે કોંગ્રેસ પર હુમલો બોલતાં કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતો ત્યારે મને 12 વર્ષ સુધી હેરાન કરવામાં આવ્યો હતો. એ લોકોએ એક પણ તક છોડી ન હતી. બે દિવસીય અધિવેશનની સમાપ્તિએ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં મતદાતાઓ માટે લોકસભા ચૂંટણી `િસ્થરતા' અને `અસ્થિરતા' વચ્ચેની રહેશે એમ જણાવાયું હતું.

ઠરાવ અંગે પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઠરાવમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં મળેલી હાર બાદ કાર્યકરોએ સાચો પાઠ મેળવવો પડશે એમ જણાવાયું હતું.

પ્રસાદે કહ્યું કે વિપક્ષોના સંભવિત જોડાણને `મોદી સામે તિરસ્કાર'નો એકમાત્ર ગુંદ જોડી રહ્યો છે. ઠરાવમાં વિપક્ષોનું જોડાણ જો સત્તા મેળવે તો રાજકીય અસ્થિરતા સર્જાઈ શકે તે તરફ ઈશારો કરવામાં આવ્યો હતો.

આ અગાઉ, રામલીલા મેદાનમાં આયોજિત અધિવેશનની સમાપ્તિ પ્રસંગે પોતાના ઉદબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે વિરોધ પક્ષો મજબૂર સરકાર માટે ઈચ્છુક છે. જ્યારે દેશ મજબૂત સરકાર માગે છે. દેશમાં ફરીથી લૂંટ ચલાવી શકાય, ફરીથી કૌભાંડોની દુકાનો શરૂ થઈ જાય, યુરિયા કૌભાંડ કરી શકાય તે ઈરાદા સાથે મજબુર સરકાર લાવવા માટે વિરોધ પક્ષો ઈચ્છુક છે. 

મોદીએ કહ્યું હતું કે મહાગઠબંધનના નામે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. રાજનીતિ વિચારો અને ગઠબંધનો ઉપર આધારિત હોય છે પરંતુ પ્રથમ વખત એવું બની રહ્યું છે જ્યારે એકબીજાને જોઈ શકવાની સ્થિતિમાં નહીં રહેલા વિરોધ પક્ષો માત્ર એક વ્યક્તિને હરાવવા માટે સાથે આવી રહ્યા છે. 

અયોધ્યા જમીન વિવાદ કેસ અંગે વાત કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ વિવાદને ઉકેલવામાં આવે તેમ ઈચ્છુક નથી તે ન્યાયિક પ્રક્રિયા પણ અવરોધવાના પ્રયાસ કરે છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં મોદીએ પોતાના મુખ્યમંત્રીકાળનો ઉલ્લેખ કરતાં એમ પણ કહ્યું હતું કે 12 વર્ષ સુધી કોંગ્રેસ અને તેના ઈશારે ચાલતી સિસ્ટમે,તેના રિમોટથી ચાલનારા નેતાઓ અને અફસરોએ, આખી સલ્તનતે તેમને સતત હેરાન પરેશાન કર્યા હતા. અમિત શાહને જેલમાં પૂરી દેવામાં આ લોકો સફળ રહ્યા હતા.

મોદીએ પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ સીબીઆઈ ઉપર પ્રતિબંધ મૂકવાનો દાખલો આપીને કહ્યું કે આ લોકોએ એવા કયા કામ કરેલા છે જેના કારણે સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકવાની ફરજ પડી રહી છે. મોદીને ફસાવો અને અમિત શાહને જેલભેગા કરો તે ઈરાદા સાથે અગાઉની સરકાર કામ કરી રહી હતી. અમિત શાહને જેલમાં પુરાવામાં સફળ પણ રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer